નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026 માં દેશના આરોગ્ય માળખાને મજબૂત કરવા માટે અનેક મોટી જાહેરાતો કરી છે. સામાન્ય માણસને રાહત આપતા સરકારે કેન્સર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓની દવાઓના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, દેશમાં મેડિકલ સુવિધાઓના વિકેન્દ્રીકરણ માટે 3 નવા AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી નાગરિકોને ઘરઆંગણે વર્લ્ડ ક્લાસ સારવાર મળી રહે. દવા ઉત્પાદન ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા રૂ. 10,000 કરોડની 'બાયો-ફાર્મા શક્તિ' યોજના પણ લોન્ચ કરવામાં આવી છે, જે સ્વાસ્થ્ય અને અર્થતંત્ર બંને માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

હેલ્થ સેક્ટરમાં રોજગારીનો ધોધ

બીજી તરફ, સરકારે દેશમાં 5 રિજીયોનલ મેડિકલ હબ સ્થાપવાનો નિર્ણય લીધો છે, જે સારવારની સાથે મેડિકલ રિસર્ચ અને ટ્રેનિંગને વેગ આપશે. આયુર્વેદને વૈશ્વિક ઓળખ અપાવવા માટે ગુજરાતના જામનગરમાં ખાસ સંસ્થા સ્થાપવાની દરખાસ્ત મુકાઈ છે. રોજગારીના મોરચે પણ સારા સમાચાર છે, કારણ કે સરકાર 1.5 લાખ 'કેર ગિવર્સ' (સહાયકો) ને તાલીમ આપશે, જેનાથી નર્સિંગ અને હેલ્થકેર સેક્ટરમાં નોકરીઓની નવી તકો સર્જાશે. આ બજેટ સાબિત કરે છે કે સરકાર હવે માત્ર સારવાર જ નહીં, પરંતુ સુલભ અને સસ્તી સ્વાસ્થ્ય સેવાઓ દ્વારા દેશના દરેક નાગરિકની સુખાકારી માટે કટિબદ્ધ છે.