કેન્દ્રીય બજેટ 2026માં ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે સરકારે ઉદ્યોગો માટે તિજોરી ખોલી દીધી છે. ખાસ કરીને ટેક્સટાઇલ સેક્ટરને પુનર્જીવિત કરવા માટે મેગા ટેક્સટાઇલ પાર્ક્સ અને 200 ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. વણકરો અને કારીગરોને પ્રોત્સાહન આપવા માટે 'મહાત્મા ગાંધી હેન્ડલૂમ યોજના' જેવી નવી પહેલ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, ચેમ્પિયન SME (લઘુ અને મધ્યમ ઉદ્યોગો) માટે રૂ. 10,000 કરોડના ખાસ ફંડની ફાળવણી કરવામાં આવી છે, જે નાના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે સક્ષમ બનાવશે. આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ વેગ આપવા રૂ. 2,000 કરોડની વધારાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
રોજગારીનો મહાકુંભ
માળખાકીય સુવિધાઓ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સરકારે ઐતિહાસિક ખર્ચનો લક્ષ્યાંક રાખ્યો છે. દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે મોટો ખર્ચ કરવાની યોજના છે, જે લાખો નવી નોકરીઓનું સર્જન કરશે. ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર માટે પણ રૂ. 40,000 કરોડની માતબર ફાળવણી કરવામાં આવી છે, જે ડિજિટલ ઇન્ડિયાના વિઝનને મજબૂત બનાવશે. ઉદ્યોગોને વહીવટી સરળતા રહે તે માટે 'કોર્પોરેટ મિત્ર' કેડરની રચના અને રોકાણકારોની સુરક્ષા માટે 'ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડ' જેવી નવીન વ્યવસ્થાઓ બજેટમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.













