ઓડિશાના પ્રખ્યાત રેતીકલા કલાકાર સુદર્શન પટ્ટનાયકે ફરી એકવાર પોતાની અનોખી કલાથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે પુરી બીચ પર એક સુંદર રેતી આર્ટ બનાવ્યુ #UnionBudget2026નું સ્વાગત કર્યું. આજે સંસદમાં રજૂ થનારા કેન્દ્રીય બજેટને લઈ લોકોમાં જે ઉત્સુકતા અને અપેક્ષા છે, તે આ કલાત્મક કૃતિમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે.
બજેટ દિવસના મહત્વને ધ્યાનમાં રાખીને તેમણે આ રેતીનું આર્ટ બનાવ્યુ છે
પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત સુદર્શન પટ્ટનાયક પોતાની રેતીકલા દ્વારા સામાજિક સંદેશા આપવાની સાથે દેશ અને દુનિયાની મહત્વની ઘટનાઓને સર્જનાત્મક રીતે રજૂ કરવા માટે જાણીતા છે. બજેટ દિવસના મહત્વને ધ્યાનમાં રાખીને તેમણે આ રેતીનું આર્ટ બનાવ્યુ છે, જેમાં વિકાસ, આર્થિક પ્રગતિ અને જનકલ્યાણ જેવી થીમ્સને પ્રતીકાત્મક રીતે દર્શાવવામાં આવી છે. સવારથી જ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો આ કૃતિને જોવા માટે એકત્ર થયા હતા અને ઘણા લોકોએ ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યા.
આજે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરી રહ્યા છે. આ તેમનું સતત નવમું બજેટ છે, જેના કારણે આ બજેટને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. મધ્યવર્ગ, પગારધારી કરદાતા, ખેડૂતો, વેપારીઓ અને રોકાણકારો સૌની નજર આ બજેટ પર ટકેલી છે. ખાસ કરીને ટેક્સમાં રાહત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, રોજગાર સર્જન, કૃષિ ક્ષેત્ર માટે સહાય અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા અંગેની જાહેરાતોની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
સરકાર કેવુ સંતુલન સાધે છે, તે મહત્વપૂર્ણ રહેશે
આ બજેટ એવા સમયમાં આવી રહ્યું છે જ્યારે ભારતની ઘરેલુ માગ મજબૂત માનવામાં આવે છે, પરંતુ વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય તણાવ અને નીતિગત અનિશ્ચિતતાના કારણે આર્થિક પડકારો પણ યથાવત છે. આવી સ્થિતિમાં વિકાસ અને નાણાકીય શિસ્ત વચ્ચે સરકાર કેવુ સંતુલન સાધે છે, તે મહત્વપૂર્ણ રહેશે.
સુદર્શન પટ્ટનાયકની આ રેતીની મૂર્તિ એ વાત યાદ અપાવે છે કે કેન્દ્રીય બજેટ માત્ર આંકડાઓનો દસ્તાવેજ નથી, પરંતુ તે કરોડો નાગરિકોના જીવનને અસર કરતી એક રાષ્ટ્રીય ઘટના છે. તેમની કલા દ્વારા દેશની સામૂહિક આશાઓ અને અપેક્ષાઓને સુંદર રીતે વ્યક્ત કરવામાં આવી છે.