નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં નાણાકીય વર્ષ 2026-27નું સામાન્ય બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. સતત 9મી વખત બજેટ રજૂ કરવાનો આ નવો વિક્રમ હશે. આ બજેટમાં દેશના મધ્યમ વર્ગ, ખેડૂતો અને વેપારીઓની નજર મુખ્યત્વે ટેક્સ રાહતો પર ટકેલી છે. જોકે ઈન્કમ ટેક્સમાં મોટી રાહતની શક્યતા ઓછી જણાઈ રહી છે, પરંતુ નેશનલ પેન્શન સ્કીમ (NPS) ને વધુ આકર્ષક બનાવીને નિવૃત્તિ આયોજન કરનારાઓને મોટી ભેટ મળી શકે છે. આ ઉપરાંત, શેરબજારમાં સ્થિરતા લાવવા માટે લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) અને સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) પર સરકાર કોઈ મહત્વના નિર્ણય લે તેવી પ્રબળ શક્યતા છે.
રેલવેની કાયાપલટ
રેલવે અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ આ બજેટ 'ગેમ ચેન્જર' સાબિત થઈ શકે છે. મુસાફરોની સુવિધા માટે 50 નવી ટ્રેનો, જેમાં વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત ટ્રેનોનો સમાવેશ થાય છે, તેની જાહેરાત થઈ શકે છે. રેલવે સુરક્ષા માટે 'કવચ 4.0' ને વધુ મજબૂત કરવા માટે મોટું બજેટ ફાળવવામાં આવશે. આ સાથે જ 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ સંરક્ષણ ક્ષેત્ર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટે સરકાર પોતાના ખજાનાના દ્વાર ખોલી શકે છે. મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક પાર્ટ્સ પરની PLI સ્કીમનો વ્યાપ વધારવાથી ગેજેટ્સ સસ્તા થવાની પણ આશા છે, જ્યારે સોના-ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો થતા તે મોંઘા થઈ શકે છે.













