ભારત સરકાર દ્વારા ૧૫ ઓક્ટોબરથી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા કરવામાં આવતા વ્યવહારો માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) શુલ્કની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં PhonePe, Paytm, Google Pay જેવી મોબાઇલ એપ્સના કરોડો યુઝર્સ છે. સરકારના આ નિર્ણય બાદ યુઝર્સમાં મૂંઝવણ ઊભી થઈ હતી કે શું હવે ઓનલાઈન પેમેન્ટ કરવું મોંઘુ બનશે? ચાલો સમજીએ કે આ નવો નિયમ કોના પર લાગુ પડશે અને કેવી રીતે કામ કરશે.
₹૨,૦૦૦થી વધુના પેમેન્ટ પર ૦.૪૦% MDR
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ₹૨,૦૦૦થી વધુના વ્યવહારો પર ૦.૪૦ ટકા સુધીનો MDR વસૂલવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ચાર્જ ગ્રાહકો પાસેથી લેવામાં આવશે નહીં. ગ્રાહકો માટે UPI સેવા સંપૂર્ણપણે મફત રહેશે. આ શુલ્ક માત્ર પસંદગીના મોટા વેપારીઓએ જ ભોગવવાનો રહેશે.
'વ્યક્તિ-થી-વેપારી' (P2M) વ્યવહારો પર લાગુ થશે નિયમ
સરકારના નિવેદન મુજબ, આ નિયમ માત્ર 'વ્યક્તિ-થી-વેપારી' (Person to Merchant - P2M) એટલે કે જ્યારે કોઈ ગ્રાહક દુકાનદારે કે વેપારીને ચૂકવણી કરે ત્યારે જ લાગુ પડશે. વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) એટલે કે મિત્રો કે પરિવારના સભ્યોને નાણાં મોકલવા પર કોઈ MDR લાગશે નહીં.
કેવી રીતે થશે MDR ની ગણતરી? ₹૩૦૦ ની મહત્તમ મર્યાદા નક્કી
MDR ની ગણતરી ખૂબ જ સરળ છે. જો કોઈ ગ્રાહક વેપારીને ₹૩,૦૦૦ ની ચૂકવણી કરે છે, તો ૦.૪% લેખે વેપારીએ ₹૧૨ ફી પોતાની એક્વાયરિંગ બેંકને ચૂકવવી પડશે. તે જ રીતે ₹૫૦,૦૦૦ ની ખરીદી પર ૦.૪% લેખે ₹૨૦૦ ચાર્જ થશે. જો વ્યવહાર ₹૭૫,૦૦૦ કે ૧ લાખ રૂપિયા જેવો મોટો હશે, તો પણ MDR ની મહત્તમ સીમા (Capping) ₹૩૦૦ જ નક્કી કરવામાં આવી છે, જેથી વેપારીઓ પર વધુ બોજ ન પડે.
MDR ચાર્જ કેલ્ક્યુલેટર: સરળ સમૂહ દ્વારા સમજો ગણતરી
| વેપારીને ચૂકવવામાં આવેલી રકમ | લાગુ MDR દરો | વેપારી દ્વારા ચૂકવવામાં આવતો MDR |
| ₹૨,૦૦૦ સુધી | ૦% | ₹૦ |
| ₹૩,૦૦૦ | ૦.૪૦% | ₹૧૨ |
| ₹૫૦,૦૦૦ | ૦.૪૦% | ₹૨૦૦ |
| ₹૭૫,૦૦૦ કે તેથી વધુ નિશ્ચિત | (Max Capping) | ₹૩૦૦ |
GPay, PhonePe કે Paytm યુઝર્સના બેંક ખાતામાંથી કોઈ રકમ નહીં કપાય
જો તમે PhonePe, Paytm, Google Pay અથવા અન્ય કોઈ પણ UPI એપનો ઉપયોગ કરીને પેમેન્ટ કરો છો, તો તમારા બેંક ખાતામાંથી એક પણ રૂપિયો કાપવામાં આવશે નહીં. આ MDR શુલ્ક માત્ર પસંદગીના પાત્ર વેપારીઓના બેંક ખાતામાંથી જ કાપવામાં આવશે. ગ્રાહકો પહેલાની જેમ જ તમામ પ્રકારના UPI વ્યવહારો મફતમાં કરી શકશે.
આ પણ વાંચો : Aadhaar Address Updateમાં આ 5 ભૂલો કરશો તો અરજી થશે Reject! જાણો સાચી રીત