NPCIએ UPI પર MDR ચાર્જ લાગુ કરવાનો નિર્ણય થોડા અઠવાડિયા માટે મુલતવી રાખ્યો છે. આ નિર્ણયથી પેમેન્ટ કંપનીઓને રાહત મળી છે. સરકારના આ નિર્ણય બાદ Paytm, MobiKwik અને Pine Labs જેવી કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે.

15 ઓક્ટોબરથી UPI ટ્રાન્ઝેક્શન પર લાગુ થનારા ચાર્જનો નિર્ણય હવે દિવાળી સુધી ટાળી દેવામાં આવ્યો છે. સરકાર દ્વારા 13 ઓક્ટોબર, મંગળવારે આ નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. હવે દિવાળી પછી આ ચાર્જ લાગુ કરવામાં આવશે. જોકે, NPCIએ ચાર્જ લાગુ કરવાની નવી તારીખ અલગથી જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

NPCIના નિર્ણય બાદ પેમેન્ટ કંપનીઓના શેરમાં કેટલો ઉછાળો આવ્યો?

NPCIએ MDR ચાર્જનો નિર્ણય મુલતવી રાખવાની જાહેરાત કર્યા બાદ મંગળવારે ડિજિટલ પેમેન્ટ કંપનીઓના શેરમાં તેજી જોવા મળી હતી.

- Paytm: દિવસના સૌથી નીચા સ્તરેથી કંપનીના શેરમાં 6.6%નો ઉછાળો આવ્યો હતો. બપોરે 1:45 વાગ્યે શેર 0.1%થી પણ ઓછા ઘટાડા સાથે ₹1,673.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

- Pine Labs: દિવસના સૌથી નીચા સ્તરેથી શેરમાં 6.8%નો ઉછાળો નોંધાયો હતો. ત્યારબાદ શેર 1.25%ના વધારા સાથે ₹165 પર પહોંચ્યો હતો.

- MobiKwik: કંપનીના શેરમાં પણ સુધારો જોવા મળ્યો હતો. દિવસના નીચા સ્તર ₹230.41થી ઉપર આવીને શેર 0.6%ના વધારા સાથે ₹242 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

MDR ચાર્જનો વિરોધ કેમ થયો હતો?

UPI પર MDR ચાર્જ લાગુ કરવાના નિર્ણયનો વેપારીઓનાં અનેક સંગઠનોએ વિરોધ કર્યો હતો. તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને સરકારે હાલ પૂરતો આ નિર્ણય મુલતવી રાખ્યો છે.

અગાઉ એવા અહેવાલો પણ આવ્યા હતા કે આ ચાર્જ 1 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી શકે છે. જોકે, NPCIએ સ્પષ્ટ કર્યું છે કે નિર્ણય હાલ દિવાળી સુધી ટાળવામાં આવ્યો છે અને નવી તારીખ અલગથી જાહેર કરવામાં આવશે.