Money Saving: આજના સમયમાં મોટાભાગના લોકો UPIનો ઉપયોગ કરે છે. કરિયાણું હોય, શાકભાજી, રિક્ષાનું ભાડું કે ચાની ચુકવણી બધું જ થોડી સેકન્ડમાં થઈ જાય છે. પરંતુ આ સુવિધાની અસર આપણા ખિસ્સા પર પણ પડી રહી છે. તાજેતરમાં એક યુવતીએ સોશિયલ મીડિયા પર પોતાની UPI સ્પેન્ડ સમરી શેર કરી હતી. તેમાં તેણે બતાવ્યું કે નાના-નાના ઓનલાઈન પેમેન્ટ મળીને મહિનાના અંતે કેવી રીતે મોટી રકમ ખર્ચાઈ જાય છે.
મોટા ખર્ચનો હિસાબ રહે છે, નાના ખર્ચ ભૂલાઈ જાય છે
મહિનાની પહેલી તારીખે આવતો ‘Salary Credited to Your Account’નો મેસેજ જોઈને દરેક વ્યક્તિને ખુશી થાય છે. આખો મહિનો જે પગારની રાહ જોવાતી હોય તે ખાતામાં આવી જાય છે. શરૂઆતના થોડા દિવસો સારી રીતે પસાર થાય છે, પરંતુ 15થી 20 તારીખની આસપાસ બેંક બેલેન્સ જોતા એક સવાલ જરૂર થાય છે—આટલા પૈસા ગયા ક્યાં? ઘરનું ભાડું, EMI, સ્કૂલ ફી, રાશન અને અન્ય મોટા ખર્ચનો અંદાજ સામાન્ય રીતે રહે છે. પરંતુ બેંક બેલેન્સને ધીમે-ધીમે ઓછું કરનારા નાના ડિજિટલ પેમેન્ટનો હિસાબ ઘણી વખત રહેતો નથી.
100-200 રૂપિયાના ખર્ચનો મોટો ખેલ
સવારે ઓફિસ જતી વખતે કેબના ₹180, બપોરે કોફીના ₹120, સાંજે ફૂડ ડિલિવરીના ₹350, ક્વિક કોમર્સથી ₹250નો સામાન, ઓનલાઈન શોપિંગમાં ₹699 અને અલગ-અલગ સબસ્ક્રિપ્શનના ચાર્જ—આમાંથી કોઈ એક ખર્ચ મોટો લાગતો નથી. પરંતુ જ્યારે આ જ ખર્ચ વારંવાર થાય છે ત્યારે મહિનાના અંતે તેની કુલ રકમ ઘણી મોટી બની જાય છે.
ભારતમાં UPIનો ઉપયોગ કેટલો વધ્યો?
કેશમાં ₹500ની નોટ આપીએ ત્યારે ખિસ્સામાંથી પૈસા ગયા હોવાનો અહેસાસ થાય છે. પરંતુ UPIમાં માત્ર મોબાઈલ સ્ક્રીન પર થોડા ક્લિક કરીને પેમેન્ટ થઈ જાય છે. એટલે પૈસા ખર્ચવા અને પૈસા ખાતામાંથી નીકળી જવા વચ્ચેનો માનસિક વિરામ લગભગ ખતમ થઈ જાય છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના આંકડા મુજબ ઓગસ્ટ 2026માં ભારતમાં UPI પર લગભગ 24.51 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા. એટલે દરરોજ સરેરાશ લગભગ 81.7 કરોડ ટ્રાન્ઝેક્શન થયા. આ મહિનામાં UPI ટ્રાન્ઝેક્શનની કુલ કિંમત લગભગ ₹29.82 લાખ કરોડ રહી હતી.
એક મોટો ખર્ચ નહીં, નાના ખર્ચોની આખી લાઇન જવાબદાર
ધારો કે કોઈ વ્યક્તિનો માસિક પગાર ₹60 હજાર છે. ઓફિસ આવવા-જવામાં દરરોજ સરેરાશ ₹150 વધારાના ખર્ચાય તો મહિનામાં લગભગ ₹3,000 થાય. અઠવાડિયામાં બે વખત ₹400ની ફૂડ ડિલિવરી એટલે લગભગ ₹3,200. આ ઉપરાંત ઓનલાઈન શોપિંગમાં ₹2,000, કોફી-સ્નેક્સમાં ₹2,000 અને અલગ-અલગ ડિજિટલ સબસ્ક્રિપ્શન પાછળ ₹1,000 ખર્ચાય તો માત્ર આવા નાના ખર્ચથી જ મહિનામાં લગભગ ₹11થી ₹12 હજાર નીકળી શકે છે.
સબસ્ક્રિપ્શન પણ ખાતું ધીમે-ધીમે ખાલી કરે છે
OTT, મ્યુઝિક, ક્લાઉડ સ્ટોરેજ, એપ્સ, ગેમિંગ અને અન્ય ડિજિટલ સર્વિસના નાના માસિક ચાર્જ આપમેળે ખાતામાંથી કપાતા રહે છે. FICCI-EYના રિપોર્ટ અનુસાર 2025માં ભારતમાં ડિજિટલ સબસ્ક્રિપ્શનથી થતી આવક 60 ટકા વધીને લગભગ ₹16,300 કરોડ થઈ હતી. પેઇડ વીડિયો સબસ્ક્રિપ્શનની સંખ્યા પણ વધીને લગભગ 21.6 કરોડ થઈ હતી. એટલે દર મહિને માત્ર ₹149 કે ₹199નો ખર્ચ લાગતો હોય તેવી સર્વિસનું બજાર પણ ઘણું મોટું બની ગયું છે.
ભારતનું ઈ-કોમર્સ માર્કેટ 2024માં લગભગ 125 અબજ ડોલર
ઈ-કોમર્સે ખરીદી ખૂબ જ સરળ બનાવી દીધી છે. જે વસ્તુ જોઈએ તે મોબાઈલ એપ પર સરળતાથી મળી જાય છે. India Brand Equity Foundation મુજબ ભારતનું ઈ-કોમર્સ માર્કેટ 2024માં લગભગ 125 અબજ ડોલરનું હતું અને 2030 સુધીમાં તે લગભગ 345 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. ક્વિક કોમર્સ પણ ઝડપથી વધી રહ્યું છે. અગાઉ કોઈ વસ્તુ લેવા માટે ઘરની બહાર જવું પડતું હતું, પરંતુ હવે થોડા ક્લિકમાં વસ્તુ ઘરે આવી જાય છે. આ કારણે જરૂરિયાતની વસ્તુ સાથે ‘ગમે છે એટલે લઈ લઈએ’ પ્રકારની ખરીદી પણ વધી શકે છે.
પૈસા બચાવવા માટે સૌથી પહેલા ખર્ચ દેખાવો
પૈસા બચાવવાનો અર્થ દરેક વખતે પોતાની ઈચ્છા દબાવવી એવો નથી. સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે પૈસા ક્યાં જઈ રહ્યા છે. એક મહિના માટે પોતાના તમામ UPI, કાર્ડ અને ઓનલાઈન પેમેન્ટને ચાર કેટેગરીમાં વહેંચી શકાય—જરૂરિયાત, સુવિધા, મનોરંજન અને અચાનક થતી ખરીદી. મહિનાના અંતે આ ચારેય કેટેગરી તપાસવાથી ખબર પડશે કે સૌથી વધુ પૈસા ક્યાં ખર્ચાયા.
પગાર એક જ મોટા ખર્ચથી ખતમ થતો નથી
ઘણા લોકોને લાગે છે કે મોટી ખરીદી કે મોટું બિલ જ બજેટ બગાડે છે. પરંતુ ઘણી વખત જવાબ એવા અનેક પેમેન્ટમાં છુપાયેલો હોય છે, જેમાં ₹100, ₹200 કે ₹500 કરીને પૈસા ખર્ચાતા રહે છે. હકીકતમાં પગાર ઘણી વખત એક મોટા ખર્ચથી નહીં, પરંતુ ‘કોઈ વાંધો નહીં, આટલા જ તો રૂપિયા છે’ જેવા નાના-નાના ખર્ચથી ખતમ થાય છે.
આ પણ વાંચો: ડોલરનું વર્ચસ્વ ઘટાડવાની તૈયારીઓ, ભારતના UPI મોડેલથી ખુલશે ગ્લોબલ પેમેન્ટનો નવો રસ્તો!