મિડલ ઈસ્ટમાં યુદ્ધથી દુનિયાના તમામ દેશમાં હાહાકાર મચી ગયો છે. તેલ-ગેસ સંકટ સિવાય જો શેરબજારની વાત કરીએ તો તેમાં પણ મોટી ઉથલપાથલ મચી ગઈ છે. ઈરાન યુદ્ધ ખતમ થવાનું નામ લઈ રહ્યું નથી અને તેના કારણે વિદેશી રોકાણકારોનો મૂડ ખરાબ જોવા મળી રહ્યો છે.

2 દિવસમાં 20,000 કરોડ રૂપિયા ઉપાડી લીધા

આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે માર્ચમાં મોટી વેચવાલી કર્યા બાદ FPIએ એપ્રિલ મહિનાના માત્ર 2 દિવસમાં જ બજારમાંથી લગભગ 20,000 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. આ પહેલા માર્ચ મહિનામાં પણ વિદેશી રોકાણકારો વેચવાલી કરીને માર્કેટમાંથી ભાગ્યા હતા. વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી લગભગ 12.7 અરબ ડોલર ઉપાડી લીધા હતા અને આ જ સિલસિલો એપ્રિલ મહિનામાં પણ જોવા મળી રહ્યો છે.

ફેબ્રુઆરી 2026માં જ વિદેશી રોકાણકારોની વાપસી થઈ હતી

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના છેલ્લા મહિનાઓમાં જ વિદેશી રોકાણકારોની ભારતીય બજારમાંથી નીકળવાનો સિલસિલો વધી ગયો હતો અને સતત 3 મહિનાની વેચવાલી બાદ ફેબ્રુઆરી 2026માં જ તેમની વાપસી થઈ હતી. આંકડા પર નજર કરીએ તો FPIએ નવેમ્બર 2025માં 3,765 કરોડ રૂપિયા, ડિસેમ્બર 2025માં 22,611 કરોડ રૂપિયા અને જાન્યુઆરી 2026માં 35,962 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. ત્યારબાદ ફેબ્રુઆરીમાં પરત ફર્યા અને 22,615 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે છેલ્લા 17 મહિનામાં સૌથી વધારે હતું પણ માર્ચમાં અમેરિકા-ઈરાન યુદ્ધે ફરી વિદેશી રોકાણકારોનો મૂડ ખરાબ કરી દીધો છે. 

આ પણ વાંચો : Tata Steelને મળી 1755 કરોડ રૂપિયાની નોટિસ, સોમવારે શેર પર જોવા મળી શકે અસર!

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.