વેદાંતા ઓઈલ એન્ડ ગેસે ડિમર્જર અને અલગ લિસ્ટિંગ બાદ પ્રથમ વખત ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. જૂન ત્રિમાસિકમાં કંપનીએ ₹945 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. આ પહેલા માર્ચ ત્રિમાસિકમાં કંપનીને ₹476 કરોડનું નુકસાન થયું હતું. નવા માળખા હેઠળ કંપની માટે આ પ્રથમ ત્રિમાસિક પરિણામ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

કંપનીના નફામાં મોટો સુધારો જોવા મળ્યો

જોકે કંપનીના નફામાં મોટો સુધારો જોવા મળ્યો છે, પરંતુ આવક અને EBITDAમાં ઘટાડો નોંધાયો છે. જૂન ત્રિમાસિકમાં ઓપરેશનમાંથી આવક 3.1 ટકા ઘટીને ₹2,507 કરોડ રહી છે. જ્યારે EBITDA 7.7 ટકા ઘટીને ₹814 કરોડ થયો છે. કંપનીનો EBITDA માર્જિન પણ ઘટીને 32.5 ટકા રહ્યો છે, જે અગાઉના માર્ચ ત્રિમાસિકમાં 34.1 ટકા હતો. ઉત્પાદનની વાત કરીએ તો જૂન ત્રિમાસિક દરમિયાન કંપનીનું સરેરાશ ગ્રોસ ઓપરેટેડ પ્રોડક્શન 77.7 હજાર બેરલ ઓઈલ ઇક્વિવેલેન્ટ પ્રતિ દિવસ (kboepd) રહ્યું હતું. જ્યારે વર્કિંગ ઇન્ટરેસ્ટ પ્રોડક્શન 51.1 હજાર kboepd નોંધાયું હતું.

બાડમેર બેસિનમાં નવી ગેસ શોધની જાહેરાત કરી 

સમગ્ર ત્રિમાસિક દરમિયાન કુલ ગ્રોસ પ્રોડક્શન 7.1 મિલિયન બેરલ ઓઈલ ઇક્વિવેલેન્ટ (boe) અને વર્કિંગ ઇન્ટરેસ્ટ પ્રોડક્શન 4.7 મિલિયન boe રહ્યું હતું. કંપનીએ રાજસ્થાનના બાડમેર બેસિનમાં RJ-ON-90/1 બ્લોકના Kaam BCP-1ST કૂવામાં નવી ગેસ શોધની જાહેરાત પણ કરી છે. આ શોધનું ટેક્નિકલ અને વ્યાવસાયિક મૂલ્યાંકન હાલ ચાલી રહ્યું છે.

શેરના ભાવમાં થયો વધારો 

વેદાંતા ઓઈલ એન્ડ ગેસના અંતરિમ CEO અને પૂર્ણકાલીન ડિરેક્ટર જિમ જૉની ગેસ્ટે જણાવ્યું કે જૂન ત્રિમાસિક કંપની માટે મહત્વપૂર્ણ રહ્યું, કારણ કે આ દરમિયાન કંપનીના શેર NSE અને BSE પર લિસ્ટ થયા. તેમણે કહ્યું કે મજબૂત ઓપરેશનલ કામગીરી, નવી શોધો અને મૂડીના યોગ્ય ઉપયોગની નીતિથી કંપનીના વિકાસની સારી તકો છે. નાણાકીય પરિણામો પહેલા બુધવારે કંપનીનો શેર 3.3 ટકા વધીને ₹35.31 પર બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં શેરમાં 6.45 ટકાનો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો : Adani Ports Q1 Results : અદાણી પોર્ટ્સને 3 મહિનામાં થયો 3,620 કરોડનો નફો, છતાં શેરમાં 3%નો ઘટાડો નોંધાયો

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.