ઘરની છત (rooftop water tank) પર લગાવવા માટે જ્યારે પાણીની ટાંકી પસંદ કરવાની હોય છે, ત્યારે લોકો કોઈ પણ વિચાર કર્યા વગર પોતાની જરૂરિયાત મુજબની ટાંકી લગાવી દે છે.  પરંતુ તેમ છતાં લોકો પાણીની સમસ્યાનો સામનો કરતા હોય છે. આથી પરિવારની જરૂરિયાત મુજબ ટાંકી લગાવવા માટે શું કરવું જોઇએ તે સમજીએ. 

નવું મકાન બનાવતી વખતે અથવા જૂની પાણીની ટાંકી બદલતી વખતે લોકો ઘણી વાર મૂંઝવણમાં હોય છે કે છત પર કેટલા લીટરની ટાંકી (Water Tank) લગાવવી યોગ્ય રહેશે.

વ્યક્તિને દરરોજ પાણીની કેટલી જરૂર પડે?

ભારતીય માનક બ્યુરો મુજબ, શહેર કે ગામમાં રહેતી સામાન્ય વ્યક્તિને દરરોજ આશરે 135 થી 150 લીટર પાણીની જરૂર પડે છે. તેમાં પીવા, રસોઈ બનાવવા, નહાવા, કપડાં અને વાસણ ધોવા તેમજ શૌચાલયના ઉપયોગ માટેનું પાણી સામેલ છે.

જો તમારા ઘરમાં 4 સભ્યો છે, તો તમારા પરિવારનો કુલ દૈનિક વપરાશ આશરે 500 થી 600 લીટર જેટલો થાય છે. આ સાથે જ જો તમારા પરિવારમાં 3 થી 4 સભ્યો છે, તો છત પર 500 લીટરથી લઈને 750 લીટર ક્ષમતા (water tank capacity)ની ટાંકી લગાવવી યોગ્ય રહેશે. જો તમારો સંયુક્ત પરિવાર છે અને ઘરમાં 5 થી 8 સભ્યો રહે છે, તો તમારે ઓછામાં ઓછી 1000 થી 1500 લીટરની ટાંકી લગાવવી જોઈએ. તેનાથી આખો દિવસ પાણીની અછતનો સામનો કરવો નહીં પડે.

ટાંકીનું કદ પસંદ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું?

ટાંકીનું કદ (water tank size)પસંદ કરતી વખતે માત્ર રોજિંદા વપરાશને જ ધ્યાનમાં ન લેવું જોઈએ, પરંતુ કટોકટીના સમય માટે પાણીનો જથ્થો પણ ધ્યાનમાં રાખવો જરૂરી છે. જો તમારા વિસ્તારમાં દિવસમાં માત્ર 1 વાર પાણી આવે છે અથવા વીજળી જવાની સમસ્યા વધારે રહે છે, તો હંમેશા તમારી કુલ જરૂરિયાત કરતાં 20% મોટી ટાંકી પસંદ કરો. આવા વિસ્તારોમાં 4 સભ્યોના પરિવાર માટે 1000 લીટરની ટાંકી લગાવવી યોગ્ય રહેશે. માત્ર લીટરની ક્ષમતા જ નહીં, પરંતુ ટાંકીની ગુણવત્તા પણ ઘણી મહત્વની છે. હંમેશા 3 અથવા 4 લેયરની સારી ગુણવત્તાવાળી પ્લાસ્ટિકની ટાંકી જ ખરીદો. સફેદ અથવા આછા રંગની ટ્રિપલ લેયરની ટાંકી તડકામાં પાણીને વધારે ગરમ થવા દેતી નથી.

આ ઉપરાંત, ટાંકી હંમેશા મજબૂત અને સમતળ જગ્યાએ જ લગાવો, જેથી ટાંકીના વજનને કારણે છતને નુકસાન ન થાય.