ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) એ શુક્રવારે, 15 ઓગસ્ટથી સમગ્ર દેશમાં ‘ફાસ્ટેગ એન્યુઅલ પાસ’ લાગુ કરી દીધો છે. એક સરકારી નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. નિવેદનમાં જણાવ્યું છે કે એન્યુઅલ પાસને પ્રથમ દિવસે જ નેશનલ હાઈવે યુઝર્સ તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે, “કાર્યાન્વીત થયાના પહેલા દિવસે સાંજના 4:30 સુધી, લગભગ 1.2 લાખ વપરાશકર્તાઓએ ફાસ્ટેગ એન્યુઅલ પાસ ખરીદ્યો અને એક્ટિવ કર્યો છે. 15 ઓગસ્ટના રોજ દેશભરના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ એન્યુઅલ પાસ દ્વારા લગભગ 1.24 લાખ ટ્રાન્ઝેક્શન્સ નોંધાયા છે.”
ફાસ્ટેગ એન્યુઅલ પાસને વારંવાર રીચાર્જ કરવાની જરૂર નહીં પડે
સરકારી નિવેદનમાં જણાવ્યું છે કે નેશનલ હાઈવે વપરાશકર્તાઓને સરળ અને સસ્તું પ્રવાસ વિકલ્પ પ્રદાન કરતાં, ફાસ્ટેગ એન્યુઅલ પાસ 3000 રૂપિયાની રકમમાં 1 વર્ષની વેલિડિટી અથવા મહત્તમ 200 ટોલ પ્લાઝા ક્રોસ કરવાથી માન્ય રહેશે. આ એન્યુઅલ પાસ ફક્ત નેશનલ હાઈવે અથવા એક્સપ્રેસવે પર જ માન્ય રહેશે. સ્ટેટ હાઈવે અથવા એક્સપ્રેસવે પર આ લાગુ નહીં થાય. ફાસ્ટેગ એન્યુઅલ પાસને વારંવાર રીચાર્જ કરવાની જરૂર નહીં પડે અને 3000 રૂપિયાની ફી સમગ્ર વર્ષ સુધી ચાલશે, જ્યાં સુધી કે 200 ટોલ પ્લાઝા ક્રોસ ન કરવામાં આવે.
ફક્ત નોન-કોમર્શિયલ વાહનો માટે લાગુ
એન્યુઅલ પાસ ફાસ્ટેગ ધરાવતા તમામ નોન-કમર્શિયલ વાહનો જેમ કે કાર, જીપ અને વેન માટે લાગુ પડશે. એન્યુઅલ પાસ એક્ટિવ કરવા માટે અલગ લિંક રાજમાર્ગ યાત્રા એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે. આ લિંક ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની અધિકારીક વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. ફાસ્ટેગ એન્યુઅલ પાસ રાજમાર્ગયાત્રા એપ અથવા NHAI વેબસાઇટ દ્વારા 3000 રૂપિયાની એકમુશ્ત ફી ચુકવતા બે કલાકની અંદર એક્ટિવ થઈ જાય છે.
દેશભરમાં 8 કરોડથી વધુ ફાસ્ટેગ વપરાશકર્તા
નિયામક કહે છે કે લગભગ 98 ટકા પહોંચ દર અને 8 કરોડથી વધુ વપરાશકર્તા સાથે, ફાસ્ટેગ એ દેશમાં ઇલેક્ટ્રોનિક ટોલ કલેકશન સિસ્ટમમાં ક્રાંતિ લાવી છે. નિવેદનમાં વધુ જણાવાયું છે કે એન્યુઅલ પાસ સુવિધા શરૂ થતાં ફાસ્ટેગ વપરાશકર્તાઓના અનુભવમાં સુધારો થશે અને રાષ્ટ્રીય રાજમાર્ગો તથા એક્સપ્રેસવે પરની મુસાફરી વધુ સસ્તી અને સરળ બની રહેશે.