અનિલ અંબાણીનું રિલાયન્સ ગ્રુપ છેલ્લા કેટલાક મહિનાઓથી તપાસમાં ઘેરાયેલું છે, કારણ કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને યસ બેંક સહિત અનેક બેંકોએ કથિત ગેરવર્તણૂક અને ભંડોળના દુરુપયોગને કારણે તેમના લોન ખાતાઓને "છેતરપિંડીપૂર્ણ" તરીકે વર્ગીકૃત કર્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ લોન છેતરપિંડીના સંદર્ભમાં અંબાણીના પરિસરમાં તપાસ કરવા માટે બેંકો પાસેથી માહિતી માગી છે.
SEBIએ 24 કંપનીઓ પર 5 વર્ષ માટે શેરબજારમાં કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો
તાજેતરમાં EDએ અનિલ અંબાણીની 40થી વધુ મિલકતો પર દરોડા પાડ્યા હતા અને ₹3,000 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. ઓગસ્ટ 2024માં અંબાણીના વ્યવસાયિક મુશ્કેલીઓ શરૂ થઈ, જ્યારે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ તેમની 24 કંપનીઓને 5 વર્ષ માટે શેરબજારમાં કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો, કારણ કે તેને "છેતરપિંડીપૂર્ણ યોજના" તરીકે વર્ણવવામાં આવી હતી જેના કારણે પાંચ વર્ષ પહેલાં રિલાયન્સ હોમ ફાઇનાન્સ (RHFL) ના ભંડોળનો દુરુપયોગ થયો હતો. SEBIએ અનિલ અંબાણી પર ₹25 કરોડનો દંડ પણ ફટકાર્યો, જેનાથી તેઓ પાંચ વર્ષ માટે કોઈપણ લિસ્ટેડ કંપની અથવા બજાર-સંબંધિત એન્ટિટીમાં મુખ્ય પદ સંભાળી શકતા નથી.
17,000 કરોડ રૂપિયાનું લોન કૌભાંડ શું છે?
અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપમાં મની લોન્ડરિંગની તપાસ રિલાયન્સ ગ્રુપની ત્રણ કંપનીઓ: રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડ (RHFL), રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (RCFL) અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) ને આપવામાં આવેલા આશરે ₹17,000 કરોડના લોનમાં અનિયમિતતાઓ પર કેન્દ્રિત છે. એક અહેવાલ મુજબ, EDના આંકડા RHFL સામે ₹5,901 કરોડ, RCFL સામે ₹8,226 કરોડ અને RCom સામે ₹4,105 કરોડ બાકી હોવાનું દર્શાવે છે. આ છેતરપિંડીમાં યસ બેંક, SBI, UCO બેંક, એક્સિસ બેંક, ICICI બેંક, HDFC બેંક, બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ એન્ડ સિંધ બેંકનો સમાવેશ થાય છે. યસ બેંકના ભૂતપૂર્વ પ્રમોટર રાણા કપૂર પર 2020માં નાણાકીય છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
કેનેરા બેંક અને રિલાયન્સ
નવેમ્બર 2024માં કેનેરા બેંકે અનિલ અંબાણીની બંધ થયેલી ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેની પેટાકંપનીના લોન ખાતાઓને 2017માં બેંકમાંથી ઉછીના લીધેલા ₹1,050 કરોડની ઉચાપત કરવા બદલ છેતરપિંડીભર્યા જાહેર કર્યા. આ નાણાં મશીનરી અને સાધનો ખરીદવા અને જૂની લોન ચૂકવવા માટે હતા. બેંકે જણાવ્યું હતું કે કંપની લોનની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ અને ચુકવણીમાં ડિફોલ્ટ થઈ. જુલાઈ 2025માં બેંકે પોતાનો નિર્ણય ઉલટાવી દીધો અને આ ખાતાઓને છેતરપિંડીની શ્રેણીમાંથી દૂર કર્યા.
SBI, BOI અન્ય બેંકો અને રિલાયન્સ ગ્રુપ
જૂન 2025માં SBIએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેના ડિરેક્ટર અનિલ અંબાણીને ફ્રોડ જાહેર કર્યા અને CBIમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી. SBIનું રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પર કુલ રોકાણ ₹3,014 કરોડ હતું, જેમાં લોન, વ્યાજ અને ગેરંટીનો સમાવેશ થાય છે. બીજી તરફ ઓગસ્ટ 2025માં બેંક ઓફ ઈન્ડિયા (BOI)એ અનિલ અંબાણી, RCom અને રિલાયન્સ ટેલિકોમના લોન ખાતાઓને છેતરપિંડીભર્યા જાહેર કર્યા. બેંકે જણાવ્યું હતું કે આ કંપનીઓએ કુલ ₹724.78 કરોડની લોન ચૂકવી નથી. ત્યારે સપ્ટેમ્બર 2025માં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સને નોટિસ ફટકારી હતી, જેમાં પૂછવામાં આવ્યું હતું કે કંપનીના ખાતાઓને છેતરપિંડીભર્યા કેમ જાહેર ન કરવા જોઈએ. બેંકે જણાવ્યું હતું કે ₹400 કરોડની લોન ડિફોલ્ટ થઈ ગઈ છે, જેમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ ટેલિકોમને આપવામાં આવેલી લોનનો સમાવેશ થાય છે. આ સિવાય BOBએ પણ અનિલ અંબાણીના ખાતાઓને ફ્રોડ જાહેર કર્યા હતા.
68 કરોડથી વધુની નકલી બેંક ગેરંટી રજૂ કરી હતી
11 ઓક્ટોબરના રોજ દિલ્હીની એક કોર્ટે રિલાયન્સ પાવરના વરિષ્ઠ અધિકારી અને અનિલ અંબાણીના નજીકના સહયોગી અશોક કુમાર પાલને બે દિવસની ED કસ્ટડીમાં મોકલી દીધા. નકલી બેંક ગેરંટી અને બનાવટી ઈન્વોઇસ સંબંધિત કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. EDએ આરોપ લગાવ્યો હતો કે તેમણે ₹68 કરોડથી વધુની નકલી બેંક ગેરંટી રજૂ કરી હતી અને SBI, ઈન્ડિયન બેંક, PNB અને યુનિયન બેંક જેવી બેંકોના નામે નકલી ઈમેઈલ બનાવીને બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા.