ભારત ઝડપથી પોતાના વૈશ્વિક વેપારનું નેટવર્ક વિસ્તારી રહ્યું છે. હાલમાં ભારતે 38 દેશો સાથે 9 મુક્ત વેપાર કરાર (FTA) કર્યા છે. આ કરારોનો લાભ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ ક્ષેત્રને મળી શકે છે. આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન યોજાનારી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પણ આ કરારો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ગુજરાતની નિકાસ ₹9.77 લાખ કરોડે પહોંચી
ગુજરાત ભારતનું સૌથી મોટું નિકાસકાર રાજ્ય છે. દેશની કુલ માલસામાનની નિકાસમાં ગુજરાતનો હિસ્સો આશરે 25% છે. નાણાકીય વર્ષ 2025-26માં ગુજરાતે 110.6 અબજ ડોલરની વસ્તુઓની નિકાસ કરી હતી. રાજ્યની નિકાસ FY 2013-14માં ₹4.44 લાખ કરોડ હતી, જે FY 2025-26માં વધીને ₹9.77 લાખ કરોડ થઈ છે. એટલે કે 12 વર્ષમાં નિકાસ બમણાથી વધુ થઈ છે. ગુજરાત પહેલેથી જ ભારતના FTA ભાગીદાર દેશોમાં 37.8 અબજ ડોલરનો માલસામાન નિકાસ કરે છે, જે રાજ્યની કુલ નિકાસના લગભગ 34% જેટલો હિસ્સો છે. બીજી તરફ, મુખ્ય FTA ભાગીદાર દેશોમાં ગુજરાતનાં સંબંધિત ક્ષેત્રોના ઉત્પાદનોની આયાત માંગ 1.08 ટ્રિલિયન ડોલરથી વધુ છે. આ ગુજરાતના ઉદ્યોગો માટે વિશાળ નિકાસ તક દર્શાવે છે.
કયા ઉદ્યોગોને થશે ફાયદો?
FTAથી આયાત-નિકાસ પરના ટેરિફમાં ઘટાડો થવાની સાથે નવા બજારોમાં પ્રવેશ અને રોકાણની તકો પણ ઊભી થાય છે. ગુજરાતના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, મરીન પ્રોડક્ટ્સ, એગ્રો-પ્રોસેસ્ડ ફૂડ, જેમ્સ અને જ્વેલરી, ટેક્સટાઇલ, ગારમેન્ટ્સ, એન્જિનિયરિંગ અને ઓટોમોબાઇલ ક્ષેત્રોને તેનો લાભ મળી શકે છે. આ ઉપરાંત નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME), મહિલાઓના નેતૃત્વ હેઠળના વ્યવસાયો અને હસ્તકળા ક્ષેત્રને પણ વિદેશી બજારો સુધી પહોંચવાની તક મળી શકે છે. કાપડ અને ચામડાની વસ્તુઓ જેવા ઉત્પાદનોની નિકાસને પણ વેગ મળી શકે છે.
ભારતના વેપાર નેટવર્કનો વિસ્તાર
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતે મોરિશિયસ, UAE, ઓસ્ટ્રેલિયા, EFTA દેશો, બ્રિટન અને ઓમાન સાથે વેપાર કરારો કર્યા છે. જાન્યુઆરી 2026માં યુરોપિયન યુનિયન સાથે FTAની વાટાઘાટો પૂર્ણ થઈ હતી, જ્યારે એપ્રિલ 2026માં ન્યૂઝીલેન્ડ સાથેના કરાર પર હસ્તાક્ષર થયા હતા. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની માલસામાન અને સેવાઓની સંયુક્ત નિકાસ 863.1 અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચી હતી. હવે ભારતનું ધ્યાન આ કરારોનો અસરકારક ઉપયોગ કરીને નિકાસ વધારવા અને ઉદ્યોગોને વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે જોડવા પર છે. ગુજરાત 'વિકસિત ભારત @2047' ના સામૂહિક લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં ભારતીયોની આકાંક્ષાઓને સાકાર કરવા માટે દેશની સાથે પગલાં ભરી રહ્યું છે. ગુજરાતના ઉદ્યોગો જ નહીં પરંતુ સમગ્ર ઔદ્યોગિક ઇકોસિસ્ટમ માટે આ મુક્ત વેપાર કરારો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાના છે.
ગુજરાત પાસે મજબૂત ઔદ્યોગિક માળખું, બંદરો અને નિકાસલક્ષી ઉદ્યોગો છે. FTAથી મળતી તકોનો જિલ્લા સ્તર સુધી ઉપયોગ થાય તો રાજ્યના ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં વધુ વિસ્તરણ કરવાની તક મળી શકે છે. વાઇબ્રન્ટ ગુજરાત 2027માં આ દિશામાં નવા સહયોગ અને રોકાણની શક્યતાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: Gold Demand: દિવાળીએ હજી સોનું સસ્તું થશે? 650 ટન પર આવી માંગ.. જાણો શું કહે છે WGC ?