દેશના મુખ્ય શેર સૂચકાંક નિફ્ટી 50માં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. દિગ્ગજ IT કંપની Wipro 30 સપ્ટેમ્બરથી Nifty 50માંથી બહાર થશે, જ્યારે તેની જગ્યાએ BSE Ltdનો શેર ઈન્ડેક્સમાં સામેલ કરવામાં આવશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ 10 ઓગસ્ટે આ ફેરફારની જાહેરાત કરી હતી.

BSEમાં 69.1 કરોડ ડૉલરનું રોકાણ આવી શકે

નિફ્ટી 50 જેવા મોટા સૂચકાંકમાં કોઈ શેરનો સમાવેશ કે બહાર થવાથી મોટા ફંડ હાઉસ અને ઈન્ડેક્સ આધારિત ફંડ્સના રોકાણ પર સીધી અસર પડે છે. BSEને નિફ્ટી 50માં પ્રવેશ મળ્યા બાદ તેના શેરમાં અંદાજે 69.1 કરોડ ડૉલરનું રોકાણ આવી શકે છે. બીજી તરફ વિપ્રોના ઈન્ડેક્સમાંથી બહાર થવાથી તેના શેરમાં લગભગ 24 કરોડ ડૉલરની વેચવાલી જોવા મળી શકે છે.

નફાવસૂલીના કારણે દબાણ આવ્યું

આ જાહેરાત બાદ 11 ઓગસ્ટે બંને શેરમાં હલચલ જોવા મળી. BSEના શેરમાં શરૂઆતમાં તેજી જોવા મળી હતી, પરંતુ બાદમાં નફાવસૂલીના કારણે દબાણ આવ્યું. બીજી તરફ વિપ્રોના શેરમાં પણ વેચવાલી જોવા મળી હતી. સવારે 11 વાગ્યે વિપ્રોનો શેર 0.65 ટકા ઘટીને રૂ.184.30 આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. વિપ્રોનું નિફ્ટી 50માંથી બહાર થવું ખાસ મહત્વનું છે, કારણ કે ઈન્ડેક્સની શરૂઆતથી જ આ IT કંપની તેનો હિસ્સો રહી છે. અગાઉ 2013માં થોડા સમય માટે વિપ્રો ઈન્ડેક્સમાંથી બહાર થયું હતું.

BSEએ 1 વર્ષમાં 50 ટકા વળતર આપ્યું

BSEના શેરે તાજેતરમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 2026માં અત્યાર સુધીમાં શેરમાં 36 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે, જ્યારે એક વર્ષમાં આશરે 50 ટકા વળતર આપ્યું છે. 11 ઓગસ્ટે બપોરે BSEનો શેર લગભગ રૂ.3,599 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સમગ્ર બજારમાં જોકે નરમાઈ જોવા મળી અને નિફ્ટી 50 આશરે 140 પોઈન્ટ ઘટીને 24,444ની આસપાસ હતો.

આ પણ વાંચો : Gautam Adani: 'સત્યની જીત થઇ' અમેરિકાથી અદાણી ગ્રુપ માટે આવ્યા ગૂ઼ડ ન્યૂઝ, જાણો શું છે મામલો

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.