ઇરાનની અન્ડરગ્રાઉન્ડ ન્યુક્લિઅર ફેસિલિટી પર બંકર બસ્ટર બોંબ ફેંક્યા પછી હવે યુએસ ભારત પર પણ આ પ્રકારનો પણ આર્થિક બોંબ ઝીકવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ છે. યુએસની સેનેટમાં મુકવામાં આવેલું એક દ્રિપક્ષીય બિલ - સ્નેક્શનિંગ રશિયા એક્ટ, 2025 હેઠળ જે દેશ રશિયામાંથી ક્રૂડની ખરીદી કરે તે દેશમાંથી થતી આયાત પર 500 ટકા ડયુટી લાદવાની દરખાસ્ત છે. આ બિલ લાવવા પાછળનો હેતુ રશિયાની ક્રૂડના વેચાણથી થતી આવકને બંધ કરવાનો છે. ભારત પણ રશિયામાંથી ક્રૂડની મોટા પાયે આયાત કરી રહ્યું છે આથી જો આ બિલ પસાર થઇ જાય તો ભારત માટે મુશ્કેલી વધી શકે છે. જોકે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટી તંત્ર આ બિલનો વિરોધ કરી રહ્યું છે કારણ કે તેમને ડર છે કે આ બિલ પસાર કરવામાં આવે તો તેના કારણે યુએસ અને રશિયા વચ્ચેના સંબંધો બગડશે અને રશિયા તથા યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવાના યુએસના પ્રયાસોમાં વિઘ્ન ઊભું થશે.
આ બિલ રિપબ્લિક પાર્ટીના સેનેટર લિંડ્સી ગ્રાહમ અને ડેમોક્રેટ પાર્ટીના સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલ દ્રારા એપ્રિલ મહિનામાં સેનેટમાં રજુ કરવામાં આવ્યું હતું. રશિયા યુક્રેન સાથે જે રીતે યુદ્ધ કરી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને આ બિલ રજુ કરાયું હતું. આ બિલ રશિયા પર તો આર્થિક પ્રતિબંધો લાદવાની જોગવાઇઓ ધરાવે જ છે, પરંતુ સાથે સાથે રશિયાને ક્રૂડ અને ગેસના વેચાણમાંથી જે આવક થાય છે તેને અટકાવવા માટે જે દેશો આ ક્રૂડ કે ગેસની ખરીદી કરે એ દેશમાંથી થતી આયાત પર 500 ટકા ડયુટી લાદવાની જોગવાઇ પણ આ બિલ ધરાવે છે. ગ્રાહમે આ બિલને ઇકોનોમિક બંકર બસ્ટર ગણાવ્યું છે. આ બિલ રશિયાની સાથે સાથે ચીન અને ભારતને પણ લક્ષ્યાંક બનાવે છે, કારણ કે આ બન્ને દેશો રશિયાના ક્રૂડ અને ગેસની મોટા પાયે આયાત કરે છે.
