રૂ.40,000 કરોડના કંપની મૂલ્યાંકન સાથે હવે હલ્દીરામ બાદ ગુજરાત સ્થિત બાલાજી વેફર્સે પણ અગ્રણી ખાનગી ઈક્વિટી (પીઈ) કંપનીઓ સાથે દસ ટકા હિસ્સો વેચવા માટેની પરામર્શ હાથ ધરી છે,

એમ સૂત્રોએ જણાવ્યું હતું. વિરાણી ભાઈઓ ચંદુભાઈ, ભીખુભાઈ અને કનુભાઈએ બાલાજી વેફર્સની સ્થાપના કરી હતી અને કંપની પર નિયંત્રણ ધરાવે છે. વિરાણી ભાઈઓએ કંપનીનું સમગ્ર ભારતમાં વિસ્તરણ કરવાની યોજના બનાવી છે. જેથી ફંડની જરૂરિયાતને પહોંચીવળવા આંશિક હિસ્સો વેચવાની ચર્ચા હાથ ધરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, હલ્દીરામની તાજેતરની એક ડીલ ચર્ચામાં છે. જેમાં કંપનીનું મૂલ્ય દસ અબજ ડોલર આંકવામાં આવ્યું હતું. સ્નેક્સ કેટેગરીમાં આ સોદાએ એક કિર્તીમાન સ્થાપિત કર્યું છે. આ સોદાના પગલે બાલાજીના પ્રમોટર્સ પણ રોકડની સંભાવના ચકાસવા તરફ પ્રેરિત થયા છે. આ વર્ષે માર્ચ મહિનામાં હલ્દીરામે દસ ટકા હિસ્સો વેચીને ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની આલ્ફા વેવ ગ્લોબલ અને ટેમાસેક પાસેથી એક અબજ ડોલર એકત્ર કર્યા હતા.

પરિવાર સંચાલિત બાલાજી વેફર્સ તેના વિકાસના આગામી તબક્કાને આગળ ધપાવવા માટે પ્રોફેશનલ્સ લોકોની મદદ લેવાનું વિચારી રહી છે. કંપનીની શેરબજારમાં લિસ્ટેડ થવાની યોજના છે. જો કે આવું આગામી પાંચ છ વર્ષ બાદ જ થશે. વિક્રમજનક મૂડીથી ભરપૂર પીઈ ફંડ્સ ભારતના બ્રાન્ડેડ કન્ઝયૂમર, ટેકનોલોજી અને હેલ્થકેર ક્ષેત્રોમાં તકો પર નજર રાખી રહ્યાં છે. અમેરિકાના એક રોકાણકારે જણાવ્યું હતું કે, કન્ઝયૂમર કંપનીઓમાં રોકાણ સોદાની શક્યતાઓ તેઓ સક્રિય રીતે તલાશી રહ્યાં છે. તેમજ તાત્કાલિક રોકાણ માટે અલગ મૂકવામાં આવેલી રોકડ માટે ઉદ્યોગો માટે વપરાતા *ડ્રાય પાવડર* શબ્દને ટાંકી રહ્યાં છે.