ઇઝરાયેલ અને ઇરાન બન્ને યુદ્ધવિરામ માટે સહમત થઇ ગયા છે એવા અહેવાલોને પગલે આજે ભારતીય શેરબજારો તેજીના ચમકારા સાથે ખુલ્યું હતુ અને 12 વાગ્યા સુધીમાં તો સેન્સેક્સ પાછલા બંધથી 1,122 પોઇન્ટ ઊંચકાયો હતો. જોકે તે પછી ઇઝરાયેલે આ યુદ્ધવિરામનો ભંગ કર્યો છે એવા સમાચાર આવતા આ સુધારો ટક્યો ન હતો અને સેશનના અંતે બન્ને મુખ્ય સુચકાંકો નજીવા વધારા સાથે બંધ રહ્યા હતા. આજે સુધારો જળવાયો નહીં તેના માટે નિષ્ણાતો ઊંચા મથાળે આવેલા પ્રોફિટ બુકિંગ અને એફ એન્ડ ઓના મંથલિ કોન્ટ્રાક્ટની એક્સપાયરી નજીક આવી રહી હોવાની બાબતને પણ જવાબદાર માને છે.
પ્રારંભે જ 638 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સમાં લગભગ 12.15 સુધી વધારા તરફી ચાલ જોવા મળી હતી અને સેન્સેક્સે પાછલા બંધથી 1,122 પોઇન્ટ વધીને અને 83,000નું સ્તર પણ વટાવીને 83,018ની ઇન્ટ્રા ડે હાઇ બનાવી હતી. જોકે તે પછી અચાનક જ ઘટાડાતરફી ચાલ શરૂ થતાં સેન્સેક્સ તૂટયો હતો અને 81,900ની લો બનાવ્યા પછી અંતે માત્ર 158 પોઇન્ટ એટલે કે 0.19 ટકા વધીને 82,055ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સમાં કુલ 1,118 પોઇન્ટની વધઘટ જોવા મળી હતી. નિફ્ટીએ પણ પ્રારંભે 208 પોઇન્ટના ઉછાળા સાથે ખુલીને ઇન્ટ્રા ડેમાં 25,317ની હાઇ અને 24,999ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 318 પોઇન્ટની વધઘટને અંતે નિફ્ટી 72 પોઇન્ટ એટલે કે 0.29 ટકા વધીને 25,044ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા ડેમાં હાઇ સપાટીએ નિફ્ટી પાછલા બંધથી કુલ 346 પોઇન્ટ વધ્યો હતો. જોકે દિવસને અંતે સેન્સેક્સ વધ્યા મથાળેથી 963 પોઇન્ટ અને નિફ્ટી 273 પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 246 પોઇન્ટ એટલે કે 0.54 ટકા વધીને 45,818ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 374 પોઇન્ટ એટલે કે 0.71 ટકા વધીને 53,053ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ સેન્સેક્સમાં 0.19 ટકાના વધારા સામે મિડ કેપ ઇન્ડેક્સ 0.54 ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.71 ટકા વધ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ પણ 2,039 પોઇન્ટ એટલે કે 2.01 ટકા વધીને 1,03,491ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,144 શેર પૈકી 2,662 વધીને, 1,339 ઘટીને અને 143 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ રૂ.450.08 લાખ કરોડ એટલે કે 5.23 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે ગઇકાલના રૂ.447.82 લાખ કરોડથી રૂ. 2.26 લાખ કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી 16 અને નિફ્ટીના 37 શેર વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેરો પૈકી અદાણી પોર્ટ્સમાં 2.58 ટકાનો, ટાટા સ્ટીલમાં 1.54 ટકાનો, કોટક બેંકમાં 1.46 ટકાનો અને અલ્ટ્રાટ્રેક સિમેન્ટમાં 1.16 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે પાવર ગ્રીડ 1.52 ટકા અને ટ્રેન્ટ 0.97 ટકા ઘટીને બંધ રહ્યો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 2.88 ટકા ઘટીને 13.64ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીના 14 મુખ્ય સેકટોરલ ઇન્ડેક્સ પૈકી માત્ર બે જ ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા, જે પૈકી નિફ્ટી મિડિયામાં 1.12 ટકાનો અને નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 0.17 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ 1.46 ટકા, મેટલ 1.01 ટકા, ફાયનાન્સિયલ સર્વિસીસી તથા પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ 0.73 ટકા અને બેંક નિફ્ટી 0.72 ટકા વધીને બંધ રહ્યો હતો.
