અમદાવાદ બુલિયન બજારમાં સંવત 2081ના છેલ્લા દિવસે સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો. સ્થાનિક બજારમાં દસ ગ્રામ સોનાનો ભાવ રૂ.500 ઘટીને રૂ.1,32,500 થયો હતો. જ્યારે એક કિ.ગ્રા. ચાંદીનો ભાવ રૂ.5000 ઘટીને રૂ.1,65,000 થયો હતો. વૈશ્વિક બજારમાં સોનું 55 ડોલર વધીને 4,307 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. MCX માર્કેટમાં સોનામાં ડિસેમ્બર માસનો વાયદો રૂ.1,28,925 પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે ચાંદીમાં ડિસેમ્બર માસનો વાયદો ઘટીને રૂ.1,55,727 પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ બજારમાં સોનું વધીને 4,330 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 51.80 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં મંદીનું વલણ જોવા મળી રહ્યું છે. વૈશ્વિક સ્તરે રોકાણકારો દ્વારા જોખમવાળી સંપતિમાંથી બહાર નીકળવાની વૃતિએ કિંમતો પર દબાણ સર્જયું છે. ચાંદી ઔદ્યોગિક ધાતુ તરીકે પણ ઉપયોગી હોવાથી વૈશ્વિક ઉત્પાદન ધીમું પડતા માંગમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. સોનામાં કોઇ મોટો ફેરફાર નોંધાયો નથી. સોનાને સલામત રોકાણ તરીકે જોવામાં આવે છે. તેથી ચાંદીની સરખામણીએ તેમાં ઉતાર-ચઢાવ ઓછો છે. તહેવાર પહેલાના સમયગાળામાં મેટલમાં રેકોર્ડ તેજી સર્જાઈ હતી. જો કે દિવાળીના તહેવાર અને બાદમાં લગ્ન સીઝનને કારણે બજારમાં દાગીના ખરીદી માટે માંગ ચાલુ હોવા છતાં વૈશ્વિક સ્થિતિને કારણે મેટલના ભાવો પર હાલ દબાણ સર્જાયું છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.










