ભારત સરકારના CEAએ જણાવ્યું હતું કે યુએસ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ દ્વારા ઉભા થયેલા પડકારો આગામી એક કે બે ક્વાર્ટરમાં ઓછા થઈ જશે, પરંતુ દેશે લાંબા ગાળાના વ્યૂહાત્મક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે ખાનગી ક્ષેત્ર પાસેથી વધુ સક્રિયતાની અપેક્ષા રાખી હતી અને કહ્યું હતું કે ઉદ્યોગોએ આગામી વર્ષોમાં દેશને સામનો કરવો પડનારી મુખ્ય સમસ્યાઓ માટે તૈયાર રહેવું જોઈએ.
નાગેશ્વરને કહ્યું કે નાણાકીય વર્ષ 25માં આર્થિક વિકાસ દર 9.2% થી ઘટીને 6.5% થયો છે, જેનું મુખ્ય કારણ કડક ક્રેડિટ પરિસ્થિતિઓ અને પ્રવાહિતાનો અભાવ છે. તેમણે કહ્યું કે જો કૃષિ ક્ષેત્રમાં યોગ્ય નીતિઓ અપનાવવામાં આવે, તો તે વાસ્તવિક જીડીપી વૃદ્ધિમાં 25% સુધીનું યોગદાન આપી શકે છે.
તેમણે કહ્યું કે રત્નો અને ઝવેરાત, ઝિંગા અને કાપડ જેવા ક્ષેત્રોને પહેલાથી જ 50% ના યુએસ ટેરિફ્નો પહેલો ફ્ટકો પડયો છે. હવે આગળ આવનારા બીજા અને ત્રીજા સ્તરની અસરો વધુ જટિલ હશે. *મને લાગે છે કે વર્તમાન પરિસ્થિતિ એક કે બે ક્વાર્ટરમાં સામાન્ય થઈ જશે. લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી, તેની મોટી અસર નહીં પડે, પરંતુ ટૂંકા ગાળાના પડકારો હશે,* તેમણે ઉમેર્યું કે સરકાર આ મુદ્દાથી વાકેફ છે અને અસરગ્રસ્ત ક્ષેત્રો સાથે વાતચીત કરી રહી છે. આગામી દિવસોમાં નીતિ નિર્માતાઓ તરફ્થી જાહેરાતો થઈ શકે છે. નાગેશ્વરને કહ્યું કે કોઈ પણ ખાતરીપૂર્વક કહી શકતું નથી કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઊંચા ટેરિફ કેમ લાદ્યા. તેની પાછળ ઘણી શક્યતાઓ હોઈ શકે છે, તેમણે 'ઓપરેશન સિંદૂર' અથવા અન્ય કોઈ વ્યૂહાત્મક કારણનો સંકેત આપતા કહ્યું.
સીઈએએ કહ્યું કે ફ્ક્ત ટેરિફ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, AI (કૃત્રિમ બુદ્ધિ), આવશ્યક ખનિજોનો પુરવઠો અને વૈશ્વિક સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા જેવા લાંબા ગાળાના મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ. તેમણે ખાનગી ક્ષેત્રને ટૂંકા ગાળાના લાભને બદલે લાંબા ગાળાની વ્યૂહરચના પર વિચાર કરવા વિનંતી કરી. *ખાનગી ક્ષેત્રે આગામી ક્વાર્ટરના નફાથી ઉપર ઉઠવાની અને આગામી 10 વર્ષના પડકાર વિશે વિચારવાની જરૂર છે,* તેમણે કહ્યું.
સીઈએએ કહ્યું કે એઆઈનો વધુ પડતો ઉપયોગ કામદારોના વિસ્થાપન તરફ દોરી જશે. તેમણે સૂચન કર્યું કે ભારતે નક્કી કરવું જોઈએ કે કયા ક્ષેત્રોમાં એઆઈનો અમલ કરવો અને કઈ ગતિએ. તેમણે ભાર મૂક્યો કે ભારતે આગામી 10-12 વર્ષમાં દર વર્ષે ઓછામાં ઓછી 80 લાખ નવી નોકરીઓ બનાવવી જોઈએ.
સીઈએએ કહ્યું કે યુવા પેઢીમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, જેમ કે વધુ પડતો સ્ક્રીન સમય, પ્રોસેસ્ડ ફૂડનો વપરાશ અને વધતી ચિંતા, ચિંતાનો વિષય છે. તેમણે આમાં ખાનગી ક્ષેત્ર પાસેથી સહયોગ માંગ્યો. નાગેશ્વરને નાણાકીય વર્ષ 26 માં ખાનગી મૂડી ખર્ચની પ્રશંસા કરી અને કહ્યું કે ફેબ્રુઆરી 2026માં આવનારા ડેટા આની પુષ્ટિ કરશે. તેમણે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ડેટા દ્વારા ગ્રાહક માંગને *સ્વસ્થ* ગણાવી. જોકે, તેમણે સ્વીકાર્યું કે શહેરી સેવાઓના વપરાશ અંગે કોઈ યોગ્ય ડેટા નથી, અને લિસ્ટેડ કંપનીઓના અહેવાલોના આધારે તારણો કાઢવા યોગ્ય રહેશે નહીં કારણ કે વપરાશ હવે અનલિસ્ટેડ ક્ષેત્રમાં જઈ રહ્યો છે.
નાગેશ્વરને ચીન સાથેના 100 અબજ ડોલરના વેપાર ખાધને માત્ર એક સંખ્યા તરીકે જોવાને બદલે સુરક્ષાના દૃષ્ટિકોણથી જોવાનું પણ આહવાન કર્યું. તેમણે કહ્યું કે ભારતે મહત્ત્વપૂર્ણ ખનિજો માટે કોઈ એક દેશ પર આધાર રાખવો જોઈએ નહીં. *આપણે ક્રૂડ ઓઇલ પર નિર્ભરતાથી ખનિજો પર વ્યૂહાત્મક નિર્ભરતા તરફ આગળ વધવું જોઈએ નહીં,* તેમણે ચેતવણી આપી.