સંવત 2081માં ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવ 17 ટકા ઘટીને પ્રતિ બેરલ 60 ડોલરે પહોંચ્યા છે. આ ઉપરાંત પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા હોવાથી ભારત બજારભાવથી ખૂબ જ મોટો ડિસકાઉન્ટે રશિયન ક્રૂડની ખરીદી રહ્યુ છે એ પણ જગજાહેર છે. ક્રૂડમાં 17 ટકાના ઘટાડાની તુલનાએ રૂપિયો 4.62 ટકા જ ઘટયો છે.

આથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને હજી પણ 13 ટકાનો ફાયદો છે. આમ છતાં મોંઘવારીના મારથી પીડાતી પ્રજાને સરકારે પ્રતિ લિટર આશરે રૂ. 100ના ભાવે વેચાતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ મોટી રાહત આપી નથી, જે સરકારની કમાણી કરવાની માનસિકતા દર્શાવે છે.બીજી તરફ રૂપિયો વીતેલા વર્ષમાં 4.62 ટકા ઘટયો છે, જેના કારણે દેશના ક્રૂડ સહિતની આયાતના બિલમાં મોટો વધારો થયો છે. જોકે જેમની કુકરી ગાંડી થઇ છે એવા યુએસના પ્રેસિડેન્ટ ડોન ટ્રમ્પની ટેરિફના ટેરરથી પીડાતા દેશના નિકાસકારો માટે આ એક રાહતની વાત છે. હાલમાં સોના અને ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટીએ છે ત્યારે હકીકત એ છે કે વીતેલા વર્ષમાં વૈશ્વિક બજારમાં સોના કે ચાંદીએ નહીં પરંતુ બિટકોઇને સૌથી વધારે વળતર આપ્યું છે. વૈશ્વિક બજારમાં ચાંદીમાં 60 ટકા અને સોનામાં 59 ટકાના વળતરની તુલનાએ બિટકોઇને આપેલા વળતરની ટકાવારી 61 ટકા રહી છે. બિટકોઇનમાં આવી તેજી માટે પણ ડોન જ જવાબદાર છે. વૈશ્વિક બજારમાં સોના ચાંદીએ નહીં બિટકોઇને સૌથી વધારે વળતર આપ્યું.