આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રમાણમાં ઓછા હોવાને કારણે એપ્રિલ-નવેમ્બરમાં ભારતના તેલ આયાત બિલમાં વાર્ષિક ધોરણે 12 ટકાનો ઘટાડો થયો છે. ભારતની તેલની આયાતમાં 2.4 ટકાનો વધારો થયો છે પણ બીજી તરફ તેલના ભાવ ઓછા હોવાથી સરકારના આયાત બિલમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, એમ પેટ્રોલિયમ મંત્રાલયના તાજેતરના આંકડામાં જણાવવામાં આવ્યું હતું. જો કે આ મામલે નિષ્ણાતોનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે અને સરકારના આયાત બિલમાં પણ દસ ટકાથી વધુનો ઘટાડો થયો છે, છતાં આ ઘટાડાનો લાભ પ્રજાને મળી રહ્યો નથી. એટલે કે, એપ્રિલથી નવેમ્બરના સમયગાળામાં સરકારને ક્રૂડ તેલની આયાતના ખર્ચમાં 12 ટકાનો ઘટાડો થયો છે, છતાં પ્રજાને પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઈ રાહત આપવામાં આવી નથી.
આંકડા મુજબ, આઠ મહિનાના સમયગાળામાં દેશની ચોખ્ખી તેલ અને ગેસ આયાત વાર્ષિક ધોરણે મૂલ્યની દ્રષ્ટિએ 12 ટકાથી વધુ ઘટી હતી. નીચા ભાવોને કારણે સ્થિર વોલ્યૂમ હોવા છતાં પેટ્રોલિયમ ઉત્પાદનની આયાતના મૂલ્યમાં ઘટાડો થયો છે, જ્યારે કુદરતી ગેસના કિસ્સામાં ભાવમાં અસ્થિરતા વચ્ચે નીચું આયાત વોલ્યૂમ નીચા આયાત બિલનું મુખ્ય કારણ હતું. ભારતની તેલ આયાતનું મૂલ્ય ચાલુ નાણાંકીય વર્ષ 2025-26ના પ્રથમ આઠ મહિનામાં 91.9 અબજ ડોલરથી ઘટીને 80.9 અબજ ડોલર થયું છે, તેમ છતાં તેલ આયાતનું પ્રમાણ વાર્ષિક 159.5 મિલિયન ટનથી વધીને 163.4 મિલિયન ટન થયું છે, અગાઉ 2.4 ટકાનો વધારો થયો હતો, એમ પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (પીપીએસી)ના કામચલાઉ ડેટામાં જણાવવામાં આવ્યું હતું.










