યુએસ દ્રારા મકાઇ અને સોયાબિન જેવી તેની કૃષિપેદાશોની ભારતમાં થતી નિકાસ ઓછી ડયુટીએ કરવા દેવાની છુટ આપવા માટેના આગ્રહને પગલે ભારત અને યુએસ વચ્ચેનું સંભવિત ટ્રેડ ડીલ ઘોંચમાં પડયું હોવાના અહેવાલ છે. યુએસએ રેસિપ્રોકલ ટેરિફમાં 9જુલાઇ સુધી આપેલી રાહતની સમયમર્યાદા પૂરી થવાને હવે માત્ર પંદર દિવસ જેટલો સમય જ બાકી રહ્યો છે, ત્યારે યુએસના આ હઠાગ્રહને લઇને ભારતીય અધિકારીઓ મુંઝાયા છે. જો આ પ્રકારની છુટ આપવામાં આવે તો ભારતના ખેડુતો પર તેની વિપરીત અસર થાય અને સાથે સાથે જિનેટકલી મોડિફાઇડ ફુડને લીધે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થવાનો ભય પણ તોળાઇ રહ્યો છે, એવી માહિતી આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા આધઆરભૂત સૂત્રોએ આપી હતી. જો નવમી જુલાઇ પહેલા આ ડીલ ફાઇનલ નહીં થાય તો યુએસમાં નિકાસ કરતી ભારતીય કંપનીઓને 26 ટકા ડયુટી ભરવાનો વારો આવશે એ નિશ્ચિત છે.


આ ટ્રેડ ડીલ અંગે વાટાઘાટો શરૂ થઇ ત્યારે ભારત યુએસમાં ટેક્સટાઇલ્સ, લેધર ગુડ્સ, ફાર્મા, એન્જિનિયરિંગ ગુડ્સ અને ઓટો પાર્ટ્સની નિકાસ ઝીરો ડયુટીએ કરવા દેવાની છુટ આપવામાં આવશે એવી આશા રાખતું હતું, પરંતુ યુએસ અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે પ્રારંભિક તબક્કામાં ઝીરો ડયુટીએ આવી આયાતની છુટ આપવી તદ્દન અશક્ય છે. ભારત માટે આ પણ એક મોટી સમસ્યા થઇ છે, એમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામમાં ટ્રમ્પની ભૂમિકાના દાવાને લઇને યુએસ અને ભારત વચ્ચે જે વિવાદ થયો છે તેના કારણે પણ બન્ને દેશો વચ્ચેના સંબંધો થોડા વણસ્યા છે જેના કારણે પણ વાટાઘાટોમાં યુએસના અધિકારીઓએ કડક વલણ અપનાવ્યું છે અને વાટાઘાટો આગળ વધી શકતી નથી. આના પગલે 9મી જુલાઇ પહેલા વચગાળાનું ડીલ પણ થશે કે કેમ તેની સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. યુએસ દ્રારા જિનેટિકલી મોડિફાઇડ ફુડની નિકાસ ઓછી ડયુટીએ કરવા દેવાની માંગ ઉપરાંત અન્ય કેટલીક માંગણી પણ કરવામાં આવી છે, જેમાં મેડિકલ ડિવાઇસની આયાત પરની ડયુટી ઓછી કરવા, આવી ડિવાઇસ પરનું ભાવ નિયંત્રણ હટાવવા, ડેટા લોકલાઇઝેશનના નિયમો હળવા કરવા, લોકલ સર્વર પર ડેટાનો સંગ્રહ કરવાની જોગવાઇ રદ કરવાની માંગણીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેડ ડીલ અંગે વાટાઘાટો કરવા માટે યુએસનું એક પ્રતિનીધીમંડળ 5 થી 10 જૂન દરમિયાન જ ભારતની મુલાકાતે આવ્યું હતું, પરંતુ આ વાટાઘાટો દરમિયાન યુએસના આ હઠાગ્રહને કારણે ડીલ પાર પાડવા માટે કોઇ પ્રગતિ થઇ શકી નથી.

ટ્રેડ ડીલ અંગેના વિવાદિત મુદ્દા

* યુએસ જિનેટીકલી મોડિફાઇડ કૃષિપેદાશોની ભારતમાં ઝીરો ડયુટીએ આયાત કરવા દેવામાં આવે એવો આગ્રહ રાખે છે

* આ ઉપરાંત મેડિકલ ડિવાઇસ પરનું ભાવ નિયંત્રણ હટાવવાની સાથે ડયુટી ઓછી કરવાની માંગણી પણ યુએસે કરી છે

* ડેટા લોકલાઇઝેશનના નિયમો હળવા કરી લોકલ સર્વર પર ડેટાનો સંગ્રહ કરવાની જોગવાઇ રદ કરવાનો આગ્રહ પણ યુએસ રાખે છે

* ભારતને ટેક્સટાઇલ્સ, લેધર, ઓટો પાર્ટ્સ, ફાર્મા અને એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસ ઝીરો ડયુટીએ કરવા દેવા પણ યુએસ તૈયાર નથી.


  • Follow us on: