અમદાવાદમાં સોના-ચાંદીના ભાવમાં મંગળવારના રોજ ફરી એક વખત રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળ્યો હતો. તા.23 સપ્ટેમ્બરના રોજ ચાંદીનો ભાવ રૂ.3,000 વધીને રૂ.1,38,000 અને દસ ગ્રામ સોનું રૂ.2,300 વધીને રૂ.1,18,300ની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. વૈશ્વિક બજારમાં સોનું 57 ડોલર વધીને 3,785 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 96 સેંન્ટ વધીને 44.72 ડોલર પ્રતિ ઔંસ થયું હતું.


MCX માર્કેટમાં સોનામાં ઓક્ટોબર માસનો વાયદો રૂ.1,650 વધીને રૂ.1,13,880 પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે ચાંદીમાં ડિસેમ્બર માસનો વાયદો રૂ.1,546 વધીને રૂ.1,35,101 પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ બજારમાં સોનું 39.30 ડોલર વધીને 3,814.40 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે કોમેક્સ ચાંદી 3.46 સેંન્ટ વધીને 44.56 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 96 સેંન્ટ વધીને 44.72 ડોલર પ્રતિ ઔંસની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઇ છે. એટલેકે એક જ દિવસમાં 2 ટકાનો ઉછાળો દર્શાવે છે. કોમોટિડી માર્કેટમાં 2 ટકાનો જમ્પ બહુ મોટો ગણાય છે. રોકાણકારો માની રહ્યા છેકે ચાંદીમાં હજુ તેજી રહેશે. સોના-ચાંદીના ભાવ વધારા પાછળના કારણોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઉછાળો, ડોલરની કિંમતમાં ફેરફાર, મોંઘવારી, જિયોપોલિટિકલ તણાવ, રોકાણકારોનો વિશ્વાસ, ભારતીય તહેવર અને લગ્નસિઝન, ઉદ્યોગોમાં માંગ, પુરવઠાની અછત, સેન્ટ્રલ બેંકોની ખરીદી, રોકાણ ફંડ્સ અને ઇટીએઇનો વધતો ટ્રેન્ડ જવાબદાર મનાઇ રહ્યા છે.


  • Follow us on: