અમદાવાદ બુલિયન માર્કેટમાં મંગળવારે તા.7 ઓક્ટોબરે ભારે તેજી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમતો ઉંચી જતા સ્થાનિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવોમાં ઉછાળો નોંધાયો હતો.


ચાંદીનો ભાવ 2,000 રૂપિયા વધીને પ્રતિ કિલો 1,54,000 થયો હતો. જે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી છે. જ્યારે સોનાનો ભાવ 500 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ 1,24,500 રૂપિયા થયો હતો. જે પણ સર્વોચ્ચ ભાવ છે. વૈશ્વિક બજારમાં સોનું 19 ડોલર વધીને 3,962 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 13 સેંન્ટ વધીને 48.48 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં ડિસેમ્બર માસનો વાયદો 396 રૂપિયા વધીને 1,20,645 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે ચાંદીમાં ડિસેમ્બર માસનો વાયદો 126 રૂપિયા વધીને 1,47,645 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ બજારમાં સોનું 10 ડોલર વધીને 3,986.30 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 0.73 સેંન્ટ ઘટીને 48.37 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.

તા. 7 ઓક્ટોબરનો દિવસ અમદાવાદના બુલિયન ટ્રેડરો માટે ઐતિહાસિક રહ્યો હતો. સોના અને ચાંદી બંને પોતાની સર્વોચ્ચ સપાટી પર પહોંચતા માર્કેટમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. આવતા અઠવાડિયે તહેવારોની માંગ સાથે ભાવમાં વધુ તેજી રહેવાની સંભાવના છે. યુરોપીયન અર્થતંત્રમાં મંદીનો ખતરો તથા યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટાડાના સંકેતોના કારણે પણ કિંમતી ધાતુઓમાં રોકાણ વધી રહ્યું છે. શહેરમાં માણેકચોક સહિતના વિવિધ ઝવેરી બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. ખાસ કરીને દાગીના બનાવનારા અને હોલમાર્ક ડિલરો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે.

વેપારીઓના જણાવ્યા મુજબ ચાંદીના ઔદ્યોગિક ઉપયોગ અને ફેસ્ટિવલ સિઝનના ગિફ્ટ સેગમેન્ટમાં માંગ વધતા ભાવમાં વધુ તેજી રહેવાની સંભાવના છે. બીજા તરફ દિવાળી નજીક આવતા અમદાવાદ બુલિયન બજારમાં ખરીદીનો માહોલ જામતો જાય છે. માણેકચોક, રતનપોળ, કાલુપુર, સી.જી.રોડના શોરૂમોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. વેપારીઓ જણાવે છે કે લોકોએ પહેલેથી જ ખરીદી શરૂ કરી દીધી છે.કે જેથી દિવાળી અને ધનતેરસના દિવસોમાં ભાવ વધે તો તકલીફ ન પડે. વેપારીઓ ધનતેરસને લઇને ખાસ ઓફરો અને સ્કીમો તૈયાર કરી રહ્યા છે. મેક-ઇન ઇન્ડિયા ડિઝાઇન કલેક્લશન, 22K થી 24K જ્વેલરી પર ડિસ્કાઉન્ટ સ્ક્રીમ, ચાંદીના સિક્કા પર 'એક ખરીદો એક મફત ' પ્રકારની ઓફર, ઓનલાઇન ઓર્ડર માટે 0% મેકિંગ ચાર્જ સહિતની સ્કીમો આવી રહી છે. આ કારણે દિવાળી પહેલા જ ઓર્ડર બુકિંગ થવા માંડયા છે.


  • Follow us on: