અમદાવાદ સોના-ચાંદી બજારમાં શનિવારે ચાંદીમાં રૂ.3,000 અને સોનામાં રૂ.700નો વધારો નોંધાયો હતો. આ સાથે 24 કેરેટમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.1,27,500 અને પ્રતિ કિલો ચાંદીનો ભાવ રૂ.1,57,000 થયો હતો. વૈશ્વિક બજારમાં સોનું 31 ડોલર વધીને 4,066 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 122 સેંન્ટ વધીને 50.02 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં ડિસેમ્બર મહિનાનો વાયદો વધીને રૂ.1,24,195 પ્રતિ 10 ગ્રામ થયો હતો. ચાંદીમાં ડિસેમ્બર માસના વાયદામાં રૂ.99 ઘટાડો થયો હતો, આ ઘટાડા સાથે વાયદો રૂ.1,54,052 પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ બજારમાં સોનું 2.80 ડોલર વધીને 4,062.80 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 6.41 સેંન્ટ ઘટીને 49. 66 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરની અનિશ્ચિતતાને કારણે સોના-ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી હોવાની ચર્ચા છે. ચાંદીની કિંમતમાં શનિવારે મોટો જમ્પ નોંધાયો છે. પ્રતિ કિલો દીઠ રૂ.3000 વધ્યા છે. ઇલેક્ટ્રોનિક વાહનો અને સોલાર સેક્ટરમાં વધતી ઇન્ડસ્ટ્રીયલ માંગ અને આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં તેજી, નિકાસમાં વૃદ્ધી સહિતના કારણો તેજી માટે જવાબદાર છે. જ્યારે સોનામાં તેજી પાછળના કારણોમાં મધ્ય પૂર્વમાં જીઓપોલિટિકલ તણાવ, ભારતમાં લગ્ન સીઝનની વધતી માંગ અને વૈશ્વિક ગોલ્ડ રીઝર્વ ખરીદીમાં વધારો સહિતના પરિબળો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. ભારતમાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી લગ્ન સીઝન સોનાની સૌથી મોટી ખરીદીનો સમય હોય છે. આ સીઝનમાં ડીલરોની બુકિંગ વધે છે તેથી કિંમતોમાં ઉછાળો જોવા મળે છે. સામાન્ય રીતે તેલની કિંમત વધે, મોંઘવારી વધે ત્યારે રોકાણકારો સોનું સુરક્ષિત એસેટ માને છે જેના કારણે સોનામાં રોકાણ વધી જાય છે. ક્રૂડ ઓઇલમાં વધારો થતા સોના-ચાંદીના ભાવો પર સીધી અસર પડે છે.