અમદાવાદ સોના-ચાંદી બજારમાં શનિવારે ચાંદીના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. જ્યારે સોનાના ભાવમાં માત્ર 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. કિલો ચાંદીનો ભાવ શનિવારે 1,06,500 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો. જ્યારે સોનાનો 24 કેરેટમાં 10 ગ્રામનો ભાવ 1,02,000 રૂપિયા રહ્યો હતો. વૈશ્વિક બજારમાં સોનામાં 11 ડોલર વધીને સોનું 3,368 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 11 સેંન્ટ ઘટીને 36.03 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં ઓગષ્ટ માસનો વાયદો 13 રૂપિયા ઘટીને 99,096 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. MCX ચાંદીમાં જુલાઇ માસનો વાયદો 51 રૂપિયા વધીને 1,06,275 રૂપિયા પ્રતિ કિલો થયો હતો.
કોમેક્સ બજારમાં સોનું 23.70 ડોલર ઘટીને 3,384.40 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે કોમેક્સ ચાંદી 9.63 સેંન્ટ ઘટીને 35.950 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. જૂન માસમાં ચાંદી છેલ્લા 21 દિવસમાંથી 15 દિવસ 1 લાખ રૂપિયાથી ઉપર રહી છે. ચાંદીમાં છેલ્લા 20 દિવસમાં એટલે કે જૂનમાં 9,000 રૂપિયાનો ભાવ વધારો જોવા મળ્યો છે. જ્યારે સોનાએ જૂન માસમાં 21 માંથી 11 દિવસ 1 લાખથી ઉપર રહ્યું છે અને સોનામાં જૂન માસમાં આજની તારીખ સુધીમાં 2,500 રૂપિયાનો ભાવ વધારો થયો છે. આમ જૂન માસ સોના-ચાંદી માટે લાખ રૂપિયાનો રહ્યો છે ! જો ચાલુ વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષે ચાંદી ગત તા. 22 એપ્રિલ 1,01,500 રૂપિયા, તા.6 મેના રોજ 1,00,000 રૂપિયે, તા. 7 મેના રોજ 1,00,500 રૂપિયા અને તા. 8 મેના રોજ 1,00,000 રૂપિયે કિલો રહી હતી.
