સરકારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) અને બીપી પાસેથી વળતર તરીકે રૂ.2.7 લાખ કરોડથી વધુની માંગ કરી છે અને આરોપ લગાવ્યો છે કે, ભાગીદારોએ કેજી-ડી6 ફિલ્ડમાં જરૂરિયાત કરતાં વધુ સુવિધાઓ બનાવી હતી અને ત્યારબાદ કુદરતી ગેસ ઉત્પાદન લક્ષ્યોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું. જો કે આરઆઈએલએ દાવો કર્યો છે કે, સરકારે તેની પાસે રૂ.2.7 લાખ કરોડનું કોઈ વળતર માંગ્યું નથી.
સરકારે ત્રણ સભ્યોની મધ્યસ્થી ટ્રિબ્યુનલ સમક્ષ રજૂ કરેલી રજૂઆત દરમિયાન દાવો કર્યો હતો કે, સાતમી નવેમ્બરના રોજ 14 વર્ષ જૂના વિવાદ પર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. ટ્રિબ્યુનલ આગામી વર્ષે કોઈપણ ઘડીએ પોતાનો ચુકાદો સંભળાવશે, તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, જે પક્ષની તરફેણમાં ચુકાદો નહીં આવે તે સુપ્રીમ કોર્ટમાં નિર્ણયને પડકારે તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, મધ્યસ્થી કાર્યવાહીમાં સરકારે ઉત્પાદિત ન થયેલા કુદરતી ગેસનું નાણાંકીય મૂલ્ય તેમજ ઈન્સ્ટોલેશન, ઈંધણ માર્કેટિંગ અને વ્યાજ પર ખર્ચવામાં આવેલી વધારાની રકમ માટે વળતર માંગ્યું હતું. સરકારે આ તમામનું મૂલ્ય રૂ.2.7 લાખ કરોડથી વધુ મૂક્યું છે.
