અમેરિકા દ્વારા થોપી દેવામાં આવેલા ટ્રેડ વોર સામે હવે ભારતને રાહત મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ ઠોકી બેસાડતાં દેશના નિકાસ વેપારને અસર થઈ હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યાં છે. ત્યારે હવે એક નવી આશા જન્મી છે. ભારતે આ ટેરિફ વોરનો સામનો કરવા કમર કસી લીધી છે. યુરોપિયન યુનિયન સાથે જો એક નવી ટ્રેડ ડીલ અસ્તિત્વમાં આવશે તો અમેરિકા સાથેના નિકાસ વેપારને કારણે ભારતને જે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, તેની ભરપાઈ ઈયુ થકી થઈ શકશે. નિકાસ વેપારની આ ખાદ્ય યુરોપિયન યુનિયન (ઈયુ) પૂરી નાંખશે. અમેરિકા સાથે ભારતનો જેટલો નિકાસ વેપાર છે, તેટલો વેપાર ઈયુ સાથે થઈ શકશે. યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (ઈએફટીએ) દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે. બ્રિટન સાથે એફટીએને સંસદીય મંજૂરીની રાહ જોવાઈ રહી છે. તેમજ યુરોપિયન યુનિયન સાથે અમે આ મામલે ગતિ લાવવાનો પ્રયાસ કરીશું, એમ ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવમી સપ્ટેમ્બરના રોજ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.

વર્ષ 2024માં ભારતે અમેરિકામાં 79.4 અબજ ડોલરના માલની નિકાસ કરી હતી. જે ઈયુ-27 ખાતે કરાયેલ 77.5 અબજ ડોલરની નિકાસની લગભગ બરાબર હતી. આમાંથી લગભગ 67.2 અબજ ડોલર એટલે કે, 85 ટકા માલ યુરોપિયન બજારમાં જ જગ્યા શોધી શકે છે. કેમ કે, આ બ્લોક વિશાળ અને વૈવિધ્યસભર આયાત ભૂખ ધરાવે છે. જ્યારે યુરોપ ભારતને મોટું વૈકલ્પિક બજાર ઉપલબ્ધ કરાવી રહ્યું છે અને અમેરિકાના ટેરિફ આંચકા સામે બફર ઓફર કરે છે, છતાં લાભ વેપાર કરારની સૂક્ષ્મ પ્રિન્ટ પર આધારિત રહેશે. ટેરિફમાં ભારે કાપ, પરસ્પરના માપદંડોની માન્યતા, ઓરિજિનના લવચીક નિયમો વિના નિકાસકારોને ઊંચા ખર્ચ અને ધીમા ટર્નઅરાઉન્ડ સમયનું જોખમ ઉપાડવું પડી શકે છે, જે તકોમાં ઘટાડો થવાની શક્યતા છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.

ભારત માટે હીરા સૌથી મોટી તકોમાંથી એક છે. ગયા વર્ષે અમેરિકાએ ભારતીય હીરામાંથી 4.8 અબજ ડોલરના મૂલ્યના હીરાની ખરીદી કરી હતી. જ્યારે કુલ 7.3 અબજ ડોલરની આયાત કરવા છતાં ઈયુની ખરીદી માત્ર 1.7 અબજ ડોલર રહી હતી.