રશિયા પાસેથી ઓઇલ ખરીદવા પર ટ્રમ્પે ભારત પર વધુ 25 ટકા ટેરિફ લાદી દીધો છે. જે બે દિવસ બાદ હવે લાગુ થશે. એટલે કે ભારતે હવે 50 ટકા ટેરિફની ચુકવણી કરવી પડશે. થોડાં દિવસ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન સામે આવ્યુ હતું કે ભારત રશિયાને યુદ્ધમાં મદદ કરી રહ્યુ છે. એટલે કે તેની પાસેથી તેલ ખરીદીને યુક્રેન વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખવામાં મદદ કરી રહ્યુ છે. ટ્રમ્પ અને તેમના પ્રશાસને ભારત પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે તે પુતિનની મશીનરીઓને ફ્યુલ આપે છે.
જ્યાંથી ફાયદો થશે ત્યાંથી તે ઓઇલ ખરીદશે
રશિયામાં ભારતીય રાજદૂત વિનય કુમારે આજે જ એવુ નિવેદન આપ્યુ છે કે ભારતને જ્યાંથી ફાયદો થશે ત્યાંથી તે ઓઇલ ખરીદશે. ઓઇલ ખરીદવાની વાત કરીએ તો જ્યારે ભારતે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની શરૂઆત કરી હતી ત્યારે ભારત પાસે રશિયા ઓઇસની ભાગીદારી 2 ટકાની પણ નહોતી. વચ્ચે આવેલાં કોવિડના સમય દરમિયાન ભારતની ઇકોનોમીને ઘણું નુકસાન થયુ હતુ. તે સમયે ભારતે એક્સપોર્ટ ઓછું કરી દીધુ હતુ. એવામાં રશિયાના ઓઇલે ભારતની ઇકોનોમીને આસરો આપ્યો. એ સમયે 2 ટકાની ભાગીદારી અને હાલ વધીને 40 ટકા થઇ ગઇ છે. હાલના સમયની અંદર તેલના સપ્લાયર્સની સંખ્યા 50 થી પણ વધારે પહોંચી ચૂકી છે.
દરરોજ 5.2 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરે છે ભારત
એક રિપોર્ટ પ્રમાણે ભારતે ઓગસ્ટ મહિનામાં દરરોજ 2 મિલિયન બેરલ કાચું ઓઇલ ખરીદ્યુ છે. જે જુલાઇના 1.6 મિલિયન બેરલ પ્રતિ દિવસથી પણ વધારે છે અને એ પણ એવા સમયે જ્યારે ભારત પર 25 ટકા વધુ ટેરિફ લગાવવાનુ એલાન કર્યુ છે. રિપોર્ટ મુજબ, ભારત દરરોજ 5.2 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરે છે. ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રશિયાનો હિસ્સો 38 ટકા હતો. ઇરાકથી ભારતને મળતો પુરવઠો ઘટ્યો છે. જ્યારે જુલાઈમાં આ આંકડો 9,07,000 બેરલ પ્રતિ દિવસ હતો.જે ઓગસ્ટમાં ઓછું થઇને 7,30,000 બેરલ પ્રતિ દિવસ થઇ ગયો છે. બીજી તરફ, જુલાઈમાં સાઉદી અરેબિયાનો પુરવઠો દરરોજ 700,000 બેરલ જોવા મળ્યો હતો, જે ઓગસ્ટમાં ઘટીને 526,000 બેરલ પ્રતિ દિવસ થયો. અમેરિકાએ ભારતને દરરોજ 264,000 બેરલ ક્રૂડ ઓઇલ આયાત કર્યું અને 5મો સૌથી મોટો સપ્લાયર બન્યો.
રિફાઇન્ડ ઓઇલથી કેટલી કમાણી?
તો બીજી તરફ ભારતે હવે દુનિયાને કાચું ઓઇલ રિફાઇન્ડ કરીને વેચવાનુ શરૂ કર્યુ અને અરબો ડોલરની કમાણી કરી અને આજ કારણથી અમેરિકાને પેટમાં દુખ્યુ. એક આંકડા મુજબ વર્ષ 2024-2025માં, ભારતે વિશ્વને રિફાઇન્ડ તેલ વેચીને 60.07 બિલિયન ડોલર એટલે કે5.25 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જોકે આ કમાણી વર્ષ 2023-24ના આંકડા કરતા ઘણી ઓછી છે.
આટલી કમાણી થાય છે
એક રિપોર્ટ મુજબ ભારતે ઘણા પેટ્રોલિયમ ઉત્પાદનોને રિફાઇન કર્યા છે અને તેમને વિશ્વને વેચ્યા છે. હાઇ-સ્પીડ ડીઝલ આ યાદીમાં ટોચ પર છે. માહિતી અનુસાર, ભારતે નાણાકીય વર્ષ 2025 માં $17.38 બિલિયનમાં તેની નિકાસ કરી હતી. જ્યારે ભારતે મોટર સ્પિરિટ એટલે કે પેટ્રોલનું એક્સપોર્ટ 8.13 બિલિયન ડોલર કર્યુ હતુ. વિદેશમાં એવિએશન ટર્બાઇન ઇંધણ એટલે કે જેટ ઇંધણ વેચીને ભારતે 5.33 બિલિયનની ડોલરની કમાણી કરી. ઇંધણ તેલ વેચીને, ભારતે તેની કમાણી 1.38 બિલિયન ડોલર વધારી પેટ્રોલિયમ પ્રોડક્ટ નેફ્થાને વેચીને ભારતની તિજોરીએ 196.29 મિલિયન ડોલર કમાયા. જ્યારે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એટલે કે LPG વેચીને, તેણે 37.51 મિલિયન ડોલર કમાયો. ભારતે વિશ્વને કેરોસીન પણ વેચીને 2 મિલિયન ડોલર કમાયા.