અમદાવાદની બુલિયન બજારમાં આજે સોના અને ચાંદી બંને કિંમતી ધાતુમાં ઉછાળો નોંધાયો હતો. ચાંદીમાં રૂ.3,500નો અને સોનામાં રૂ.500નો વધારો નોંધાતા ચાંદી રૂ. 1,29,000ની નવી ટોચે જ્યારે સોનું રૂ.1,13,500ની નવી ટોચે પહોંચ્યું હતું. આ સાથે સતત 19 દિવસ સુધી નવી ટોચ નોંધાવ્યા બાદ ગઇકાલના એક દિવસના વિરામ પછી આ બન્ને કિંમતી ધાતુએ ફરી અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી બનાવી છે.

અમદાવાદની બજારમાં ચાંદી ચોરસામાં આજે રૂ.1,29,000 ભાવ રહ્યો હતો. જે ગઈકાલના ભાવની સરખામણીએ રૂ.3,500નો વધારો દર્શાવે છે. જ્યારે સોનામાં રૂ.500નો વધારો નોંધાયો હતો. 999 સોનાનો ભાવ રૂ.1,13,500 રહ્યો હતો. 995 સોનાનો ભાવ રૂ,.1,13,200, હોલમાર્ક દાગીનાનો ભાવ રૂ.1,11,230 રહ્યો હતો.

યુએસ ફેડરલ રિઝર્વ દ્રારા આગામી સપ્તાહે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે એવી શક્યતા પ્રબળ બનતા સોનામાં આજે તેજી આગળ વધી હતી. એમસીએક્સ પર પ્રારંભે જ સોનાનો ઓક્ટોબર વાયદો રૂ. 539 એટલે કે 0.5 ટકા વધીને રૂ. 1,09,520 પર ખુલ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો આશરે એક ટકા વધીને 1,28,294ની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો. વૈશ્વિક બજારમાં પણ સોનામાં તેજી જોવા મળી હતી અને હાજર સોનું 0.4 ટકા વધીને પ્રતિ ઔંસ 3,647.76 ડોલરની સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે સોનાનો ડિસેમ્બરનો વાયદો 0.4 ટકા વધીને 3,686.50 ડોલરની સપાટીએ પહોંચ્યો હતો. આ સાથે સોનામાં ચાલુ સપ્તાહે 1.7 ટકાનો વધારો નોંધાયો છે અને સતત ચોથા સપ્તાહમાં સોનું વધીને બંધ રહ્યું છે.

યુએસના લેબર માર્કેટના ડેટા ધાર્યા કરતાં સારા આવ્યા અને તેના કારણે ફુગાવાનો દર અપેક્ષા કરતાં થોડો વધારે હોવા છતાં હવે યુએસ ફેડરલ રિઝર્વ દ્રારા આગામી સપ્તાહે યોજાનારી તેની બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે તે લગભગ નિશ્ચિત થઇ જતાં સોનામાં તેજીનો માહોલ છે.