બાંગ્લાદેશમાં થોડા દિવસોમાં જ બાદ ડુંગળીની કિંમતો બમણી થઇને 120 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઇ હતી.
ડુંગળીના ભાવમાં ધરખમ વધારો
બાંગ્લાદેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. થોડા દિવસોમાં બજાર ભાવ બમણા થઈ ગયા છે. જેનાથી સામાન્ય લોકોના રસોડાના બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે. રાજધાની ઢાકા અને ચિત્તાગોંગ, રાજશાહી અને ખુલના જેવા દેશના અન્ય ઘણા શહેરોના બજારોમાં ડુંગળી 110 થી 120 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાઈ રહી છે. થોડા દિવસો પહેલા જ આ જ ડુંગળી 60 રૂપિયા પ્રતિ કિલોમાં ઉપલબ્ધ હતી. છૂટક દુકાનદારો કહે છે કે તેમને જથ્થાબંધ બજારમાંથી વધુ ભાવ મળી રહ્યા છે. જેના કારણે તેઓ વધુ ભાવે વેચવા મજબૂર થઈ રહ્યા છે.
ભારતે ડુંગળીના નિકાસ પર મુક્યો પ્રતિબંધ
સ્થાનિક ડુંગળીનો સ્ટોક ઘટી રહ્યો છે અને ભારતમાંથી ડુંગળીની આયાત બંધ કરી દેવામાં આવી છે. હકીકતમાં, ભારત સરકારે સ્થાનિક ભાવોને નિયંત્રિત કરવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેની સીધી અસર બાંગ્લાદેશી બજારો પર પડી હતી. ચિત્તાગોંગ અને રાજશાહીના આયાતકારો કહે છે કે ભારતમાંથી આયાત ફરી શરૂ ન થાય અથવા નવો પાક ન આવે ત્યાં સુધી ભાવમાં વધુ વધારો થઈ શકે છે.
ડુંગળીના પાકની લણણી થઇ મોડી
આ વર્ષે, દેશના કેટલાક ભાગોમાં રવિ સિઝનના ડુંગળીના પાકની લણણી મોડી થઈ રહી છે. લણણી સામાન્ય રીતે ઓક્ટોબરના મધ્ય સુધીમાં કરવામાં આવે છે. પરંતુ આ વખતે તેમાં વિલંબ થાય છે. આયાતકારો અને વેપારીઓ માને છે કે જો સરકાર તાત્કાલિક આયાતને મંજૂરી આપે, તો બજારમાં બીજા જ દિવસે રાહત જોવા મળી શકે છે. જોકે, નિષ્ણાતો કહે છે કે વાસ્તવિક ઉકેલ કડક બજાર દેખરેખ અને જરૂર પડ્યે સમયસર આયાતમાં રહેલો છે.













