શુક્રવારના રોજ પૂરા થયેલા ચાર સેશનના સપ્તાહમાં સેન્સેક્સમાં 259 પોઇન્ટ એટલે કે 0.31 ટકાનો જ્યારે નિફ્ટીમાં 86 પોઇન્ટ એટલે કે 0.33 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 234 પોઇન્ટ એટલે કે 0.50 ટકા વધીને અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 476 પોઇન્ટ એટલે કે 0.90 ટકા વધીને બંધ રહ્યો હતો.
બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ પણ 800 પોઇન્ટ એટલે કે 0.74 ટકા વધીને બંધ રહ્યો હતો. વીતેલા સપ્તાહમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.31 લાખ કરોડનો વધારો નોંધાયો હતો.
રૂપિયો 87.84ની બે મહિનાની ટોચે પહોંચ્યો
શુક્રવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો એક પૈસા વધીને 87.84ની સપાટીએ પહોંચ્યો હતો, જે બે મહિનાની સૌથી ઊંચી સપાટી છે. આ સાથે રૂપિયો વીતેલા સપ્તાહમાં 19 પૈસા એટલે કે 0.21 ટકા વધ્યો છે, જ્યારે ચાલુ કેલેન્ડર વર્ષ 2025માં અત્યાર સુધીમાં 2.59 ટકા ઘટયો છે. શુક્રવારે ઇન્ટર બેંક ફોરેન એક્સ્ચેન્જમાં રૂપિયો 87.78 પર ખૂલ્યો હતો અને 87.63ની હાઇ અને 87.85ની લો બનાવ્યા પછી અંતે 87.84ની સપાટીએ બંધ રહ્યો હતો. દરમિયાન શુક્રવારે ડોલર ઇન્ડેક્સ 0.12 ટકા વધીને 99.05 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જ્યારે બ્રેન્ટ ક્રૂડ 0.11 ટકા ઘટીને પ્રતિ બેરલ 65.92 ડોલરની સપાટીએ પહોંચ્યું હતું.
વીતેલા સપ્તાહમાં વોલેટાલિટી ઇન્ડેક્સ ફ્લેટ મથાળે બંધ
વીતેલા સપ્તાહના અંતિમ દિવસે વોલેટાલિટી ઇન્ડેક્સ 1.21 ટકા ઘટીને 11.59ની સપાટીએ બંધ રહ્યો હતો. આ સાથે સમીક્ષા હેઠળના સપ્તાહમાં બજારના ફિયર ગેજ ઇન્ડેક્સ તરીકે ઓળખાતો આ ઇન્ડેક્સ 11.63ના સ્તરેથી માત્ર 0.04 ઘટીને 11.59 પર બંધ રહ્યો હતો.