ભારતીય રેલવેએ દક્ષિણ, પૂર્વ અને મધ્ય ભારતમાં હાઈ-સ્પીડ કાર્ગો નેટવર્કના વિસ્તરણ માટે ત્રણ નવા ફ્રેઈટ કોરિડોર સ્થાપવા તરફ નજર દોડાવી છે. જે બે ઓપરેશનલ લાઈનની સફળતા પર આધારિત છે. જેથી સતત રાષ્ટ્રવ્યાપી લોજિસ્ટિક્સ લૂપ બનાવી શકાય. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ત્રણ નવી લાઈટો માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ પૂર્ણ થઈ ગયા છે અને તેની ચકાસણી ચાલી રહી છે.
નવા પ્રસ્તાવિત ફ્રેઈટ કોરિડોર (ડીએફસી)ની કુલ કિંમત આશરે રૂ.1.5 લાખ કરોડ હોવાનો અંદાજ છે. 2030 સુધીમાં નેશનલ રેલ પ્લાનનો ટાર્ગેટ છે કે, રેલવે કાર્ગોનો હિસ્સો કુલ લોજિસ્ટિક્સમાં વધારી 45 ટકા કરવામાં આવે. એક આંકડા મુજબ, ભારતમાં કુલ ટ્રાન્સપોર્ટમાં રેલવે કાર્ગોનો હિસ્સો 1990માં 60 ટકા હતો, જે 2020માં ઘટીને 25 ટકા થયો હતો. પણ કોરોના મહામારી બાદ સમર્પિત રેલવે કાર્ગો કોરિડોરને કારણે હિસ્સો વધીને 27 ટકા થયો હતો. ભારતમાં લોજિસ્ટિક ક્ષેત્રના વિસ્તરણ વચ્ચે રેલવેએ પણ કાર્ગોનો દાયરો વધારવાની યોજના હાથ ધરી છે. જે ત્રણ કોરિડોર વિચારણા હેઠળ છે, તેમાં ખડગપુરથી વિજયવાડા વચ્ચેના 1,115 કિ.મી. લાંબા ઈસ્ટ કોસ્ટ કોરિડોર, ભૂસાવલથી દાનકૂની વચ્ચેના 1,673 કિ.મી. લાંબા ઈસ્ટ-વેસ્ટ કોરિડોર અને વિજયવાડાથી નાગપુર-ઈટારસી વચ્ચેના 975 કિ.મી. લાંબા નોર્થ-સાઉથ સબ કોરિડોરનો સમાવેશ થાય છે. ટેકનિકલ શક્યતા, ટ્રાફિક ક્ષમતા અને ભંડોળની ઉપલબ્ધતાના આધારે ઓછામાં ઓછા એક કોરિડોરને પહેલા પસંદગી આપવામાં આવશે. રેલવે ફ્રેઈટ કોરિડોર એક સમપર્તિ વિકલ્પ છે, જે ખાસ કરીને કાર્ગોના ઝડપી પરિવહન માટે રચાયેલ છે. આ કોરિડોર અંગેની દરખાસ્ત આગામી કેન્દ્રીય બજેટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. પ્રસ્તાવિત યોજના હાલના પશ્ચિમના 1,506 કિ.મી. અને પૂર્વના 1,337 કિ.મી. કોરિડોરની પૂરક છે. 1,404 કિ.મી.ના પશ્ચિમ કોરિડોરનું હાલમાં સંચાલન કરવામાં આવી રહ્યું છે, જ્યારે બાકીના 102 કિ.મી. કોરિડોરનું સંચાલન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. 102 કિ.મી.નો બાકીનો આ ભાગ વૈતરાણાથી જવાહરલાલ નહેરૂ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી) સુધી વિસ્તરેલો છે. હાલના કાર્ગો કોરિડોરે માલની ગતિમાં વધારો કર્યો છે અને આ રૂટ પરના દબાણમાં ઘટાડો કર્યો છે.
