ઇન્ડેક્સ હેવિવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં એક જ દિવસમાં 4.39 ટકાના ઐતિહાસિક ઘટાડા અને અન્ય એક હેવિવેઇટ શેર એચડીએફસી બેંકમાં પણ 1.56 ટકાના ઘટાડાને પગલે આજે મોટા ભાગના અન્ય ક્ષેત્રોમાં જોવા મળેલી તેજી ધોવાઇ ગઇ હતી અને મુખ્ય સુચકાંકો ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

આજે ઓઇલ-ગેસ, મિડિયા, રિઆલ્ટી અને પ્રાઇવેટ બેંકો સિવાયના તમામ ક્ષેત્રના શેરોમાં તેજી જોવા મળી હતી, પરંતુ રિલાયન્સની આગેવાનીમાં ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 1.75 ટકા ઘટીને બંધ રહ્યો હતો. પરિણામે હેલ્થકેર તથા ફાર્મા શેરોમાં જોવા મળેલી નોંધપાત્ર તેજી અને પીએસયુ બેંક, આઇટી અને ઓટો સહિતના અન્ય ક્ષેત્રોની તેજી છતાં મંદીવાળા બજાર પર હાવિ થયા હતા. અન્ય એશિયાના બજારો સહિત વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય શેરબજારમાં મંદીની ચાલ જોવા મળી હતી અને સતત બીજા દિવસે બજારો ઘટીને બંધ રહ્યા હતા.

પ્રારંભે 108 પોઇન્ટ નીચામાં ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સે 85,397ની હાઇ અને 84,900ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 497 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ376 પોઇન્ટ એટલે કે 0.44 ટકા ઘટીને 85,063 પર બંધ રહ્યો હતો. ઇન્ટ્રા ડેમાં એક પણ વાર સેન્સેક્સ પાછલા બંધથી ઉપર ગયો ન હતો અને 85,000નું સ્તર માંડ માંડ જાળવ્યું હતું. નિફ્ટીએ પણ પ્રારંભે 61 પોઇન્ટ નીચામાં ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં 26,273ની હાઇ અને 26,124ની લો સપાટી બનાવી હતી અને 149 પોઇન્ટની વધઘટને અંતે નિફ્ટી 71 પોઇન્ટ એટલે કે 0.27 ટકા ઘટીને 26,178ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 114 પોઇન્ટ એટલે કે 0.24 ટકા ઘટીને 47,449 પર બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 201 પોઇન્ટ એટલે કે 0.39 ટકા ઘટીને 51,753 પર બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ પણ 327 પોઇન્ટ એટલે કે 0.34 ટકા ઘટીને 94,923 પર બંધ રહ્યો હતો.

બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,348 શેર પૈકી 1,575 વધીને, 2,605 ઘટીને અને 168 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ રૂ. 479.59 લાખ કરોડ એટલે કે 5.32 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે ગઇ કાલના રૂ. 480.80 લાખ કરોડથી રૂ. 1.21 લાખ કરોડનો ઘટાડો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી 17 શેર અને નિફ્ટીના 50 પૈકી 29 શેર વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેરો પૈકી આઇસીઆઇસીઆઇ બેંક 2.87 ટકા, એચયુએલ 1.76 ટકા, સન ફાર્મા 1.73 ટકા, એસબીઆઇ 1.33 ટકા અને ટીસીએસ 1.28 ટકા વધીને બંધ રહ્યો હતો, જ્યારે ટ્રેન્ટમાં 8.62 ટકાનો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 4.42 ટકાનો, આઇટીસીમાં 2.07 ટકાનો, કોટક બેંકમાં 2.02 ટકાનો અને એચડીએફસી બેંકમાં 1.56 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના શેરો પૈકી એપોલો હોસ્પિટલ 3.50 ટકા, ટાટા કન્ઝયુમર 2.78 ટકા, એચડીએફસી લાઇફ 2.21 ટકા, બજાજ ઓટો 1.80 ટકા અને સન ફાર્મા 1.80 ટકા વધ્યો હતો, જ્યારે ઇન્ડિગો 1.96 ટકા, આઇટીસી 1.84 ટકા, ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ 1.33 ટકા ઘટયો હતો. આજે વોલેટાલિટી ઇન્ડેક્સ 0.04 ટકા ઘટીને 10.02ની સપાટી પર બંધ રહ્યો હતો. એનએસઇ પરના 14 મુખ્ય સેક્ટોરલ ઇન્ડેક્સ પૈકી 10 વધીને બંધ રહ્યા હતા. નિફ્ટી હેલ્થકેર 1.85 ટકા, ફાર્મા 1.69 ટકા, પીએસયુ બેંક 0.59 ટકા અને આઇટી 0.55 ટકા વધ્યો હતો. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 1.75 ટકા, મિડિયા 1.0.5 ટકા અને રિઆલ્ટી 0.33 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

નિફ્ટી હેલ્થકેરમાં 271 આંકનો, ફાર્મામાં 383 આંકનો ઉછાળો

આજે હેલ્થકેર અને ફાર્મા શેરમાં ભરપુર લેવાલી જોવા મળી હતી . પરિણામે નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સના 20 પૈકી 19 ઘટક શેર વધીને બંધ રહેતા આ ઇન્ડેક્સ 271 પોઇન્ટ એટલે કે 1.85 ટકા વધીને14,950 પર બંધ રહ્યો હતો અને સેક્ટોરલ ઇન્ડેક્સમાં ટોપ ગેઇનર્સ બન્યો હતો. ઇન્ટ્રા ડેમાં આ ઇન્ડેક્સ 15,112ની તેની વિક્રમી ટોચથી માત્ર 141 પોઇન્ટ છેટો રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સના 20 પૈકી 17 ઘટક શેરો વધીને બંધ રહેતા આ ઇન્ડેક્સ 383 આંક એટલે કે 1.69 ટકા વધીને 23,126 પર બંધ રહ્યો હતો. ઇન્ટ્રા ડેમાં આ ઇન્ડેક્સ તેની 23,162ની વિક્રમી ટોચથી માત્ર 23 પોઇન્ટ દુર રહ્યો હતો.

ઓઇલ-ગેસ શેરોમાં કડાકો, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 213 પોઇન્ટ ઘટયો

આજે રિલાયન્સની આગેવાનીમાં ઓઇલ તથા ગેસ શેરોમાં કડાકો બોલ્યો હતો. રિલાયન્સ 4.39 ટકા ઘટીને બંધ રહેતા અને નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સના 15 ઘટક શેર પૈકી 11 ઘટીને બંધ રહેતા આ ઇન્ડેક્સ 213 પોઇન્ટ એટલે કે 1.75 ટકા ઘટીને 12,000 પર બંધ રહ્યો હતો અને સેક્ટોરલ ઇન્ડેક્સમાં ટોપ લુઝર્સ બન્યો હતો. જોકે જે ઘટક શેરો વધીને બંધ રહ્યા હતા, તેમાં 1 ટકાથી પણ વધુનો ઘટાડો નોંધાયો હતો.

IT શેરોમાં પણ તેજી : આજે નિફ્ટી આઇટી ઇન્ડેક્સના 10 ઘટક શેરો પૈકી 7 વધીને બંધ રહેતા આ ઇન્ડેક્સ 206 પોઇન્ટ એટલે કે 0.55 ટકા વધીને 37,977 પર બંધ રહ્યો હતો.

એક ટકાથી વધુ વધઘટ નોંધાવનારા પ્રમુખ આઇટી શેરો : કંપની : વધઘટ ટકામાં : ટીસીએસ 1.27, એલટીઆઇ માઇન્ડ ટ્રી -1.47, ઓરેકલ ફાઇનાન્સિયલ -1.23.

1%થી વધુ વધઘટ નોંધાવનારા પ્રમુખ ઓઇલ-ગેસ શેરો : કંપની : વધઘટ ટકામાં : પેટ્રોનેટ 2.27, એજિલ લોજિસ્ટિક્સ 1.78, ઓએનજીસી 1.55, ઓઇલ ઇન્ડિયા 1.26 , રિલાયન્સ -4.39, મહાનગર ગેસ 3.84, હિંદ પેટ્રો -2.41, ગેઇલ -2.35, બીપીસીએલ -2.09, અદાણી ટોટલ ગેસ -1.14, જીએસપીએલ -1.06.

એક ટકાથી વધુ વધઘટ નોંધાવનારા પ્રમુખ હેલ્થકેર-ફાર્મા શેરો : કંપની : વધઘટ ટકામાં : ડિવિઝ લેબ 4.52, ઇપ્કા લેબ્સ 4.00, લ્યુપિન 3.66, ફોર્ટિસ 3.66, એપોલો હોસ્પિટલ 3.50, અરબિંદો ફાર્મા 2.12, મેનકાઇન્ડ 2.06, ગ્લેનમાર્ક 2.04, જેબી કેમિકલ 2.04, ટોરેન્ટ ફાર્મા 1.89, અલ્કેમ 1.84, સન ફાર્મા 1.80, વોખાર્ટ 1.20, લૌરસ લેબ્સ 1.13, ઝાયડસ લાઇફ 1.03, અજંટા ફાર્મા -2.53, બાયોકેન -1.21.

નિફ્ટી પીએસયુ બેંક અને પ્રાઇવેટ બેંકે નવી વિક્રમી ટોચ બનાવી

આજે સરકારી બેંકોમાં તેજી ચાલુ રહી હતી, જેને પગલે નિફ્ટી બેંક ઇન્ડેક્સે આજે ઇન્ટ્રા ડેમાં 8,856ની નવી ટોચ કાયમ કરી હતી. આ ઇન્ડેક્સના 12 પૈકી 7 ઘટક શેરો વધીને બંધ રહેતા તે 51 પોઇન્ટ એટલે કે 0.69 ટકા વધીને 8,790 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સે પણ ઇન્ટ્રા ડેમાં 29,059ની નવી વિક્રમી ટોચ કાયમ કરી હતી. જોકે દિવસને અંતે આ ઇન્ડેક્સના 10 પૈકી 6 ઘટક શેર વધીને બંધ રહેતા તે 6 પોઇન્ટ એટલે કે 0.02 ટકા ઘટીને 28,879 પર બંધ રહ્યો હતો. બેંક નિફ્ટીના 14 ઘટક શેર પૈકી 7 વધીને બંધ રહેતા આ ઇન્ડેક્સ 74 પોઇન્ટ એટલે કે 0.12 ટકા વધીને 60,118 પર બંધ રહ્યો હતો. નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસીસ ઇન્ડેક્સ 93 પોઇન્ટ એટલે કે 0.34 ટકા વધીને 27,945 પર બંધ રહ્યો હતો.

બે દિવસમાં સૂચકાંકો કેટલા ઘટયા : ઇન્ડેક્સ : ઘટાડો પોઇન્ટમાં : સેન્સેક્સ 698, નિફ્ટી 149, બીએસઇ મિડ કેપ 90, બીએસઇ સ્મોલ કેપ 167, BSE SME IPO 1,056, એમ કેપ રૂ. 1.65 લાખ કરોડ.

એનએસઇ પરના સેક્ટોરલ ઇન્ડેક્સમાં વધઘટ : ઇન્ડેક્સ : વધઘટ ટકામાં : હેલ્થકેર 1.85, ફાર્મા 1.69, પીએસયુ બેંક 0.59, આઇટી 0.55, ફાઇનાન્સિયલ સર્વિસીસ 0.34, મેટલ 0.29, એફએમસીજી 0.23, બેંક 0.12, કન્ઝયુમર ડયુરેબલ્સ 0.12, ઓટો 0.10, ઓઇલ એન્ડ ગેસ -1.75, મીડિયા -1.05, રિઆલ્ટી -0.33, પ્રાઇવેટ બેંક -0.02,

એક ટકાથી વધુ વધઘટ નોંધાવનારા પ્રમુખ બેન્કિંગ-ફાઇનાન્શિયલ શેરો : કંપની : વધઘટ ટકામાં : ICICI બેંક 2.80, એસબીઆઇ કાર્ડ 2.66, HDFC લાઇફ 2.21, યુનિયન બેંક 2.11, ઇન્ડસઇન્ડ બેંક 1.73, ચોલામંડલમ ફાઇ. 1.56, ICICI લોમ્બાર્ડ 1.53, એસબીઆઇ 1.24, આરબીએલ બેંક 1.19, બીએસઇ 1.07, ફેડરલ બેંક -2.58, કોટક બેંક -2.22, HDFC બેંક -1.49.

રિલાયન્સમાં છેલ્લા આઠ મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો

આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 69.20 એટલે કે 4.39 ટકા ઘટીને રૂ. 1,508ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા ડેમાં રિલાયન્સ આશરે 5 ટકા જેટલો ઘટીને રૂ. 1,496.30ની સપાટી સુધી પહોંચી ગયો હતો. અગ્રણી વૈશ્વિક બ્રોકરેજ ફર્મ સીએલએસએએ તેના ઇન્ડિયા મોડલ પોર્ટફોલિયોમાંથી રિલાયન્સની બાદબાકી કરતાં આ શેરમાં આટલો જંગી કડાકો બોલાયો હતો, જે છેલ્લા આઠ મહિનાનો સૌથી મોટો ઘટાડો છે. અગાઉ 2025ની 7મી એપ્રિલે રિલાયન્સમાં આનાથી વધારે ઘટાડો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે ગઇ કાલે જ રિલાયન્સે રૂ. 1,611,80ની નવી વિક્રમી ટોચ બનાવી હતી. જોકે તે પછી દિવસને અંતે આ શેર 0.96 ટકા ઘટીને બંધ રહ્યો હતો. છેલ્લા 12 મહિનામાં આ શેરમાં 26 ટકાનો વધારો થયો છે. આજના ઘટાડાના પગલે રિલાયન્સના શેરધારકોની સંપત્તિમાં આશરે રૂ. 1 લાખ કરોડનું ધોવાણ થયું છે.