યુએસ સાથેના ટ્રેડ ડિલ અંગેની અનિશ્ચિતતાઓનો હજી અંત નથી આવ્યો ત્યાં યુએસ દ્રારા એચ વન બી વિઝાની ફી વધારીને એક લાખ ડોલર કરવામાં આવતા ઊભી થયેલી ચિંતાના પગલે આજે ભારતીય રૂપિયો અત્યંત દબાણ હેઠળ આવી ગયો હતો અને યુએસ ડોલર સામે ઇન્ટ્રા ડેમાં 88.79નું અત્યાર સુધીનું તળિયું બનાવ્યા પછી સેશનના અંતે 44 પૈસા એટલે કે 0.49 ટકા તૂટીને 88.75ની સપાટીએ બંધ રહ્યો હતો,


જે પણ અત્યાર સુધીની સૌથી નીચી બંધ સપાટી છે. રૂપિયામાં એક જ દિવસમાં જોવા મળેલો આ ઘટાડો પણ છેલ્લા એક મહિનાનો સૌથી મોટો ઘટાડો છે. આ સાથે રૂપિયો વર્ષ 2025માં અત્યાર સુધીમાં 310 પૈસા એટલે કે 3.61 ટકા ઘટયો છે અને છેલ્લા બાર મહિનામાં રૂપિયામાં આશરે 5.86 ટકાનો ઘટા.ડો નોંધાયો છે. ગઇ કાલના 88.31ના બંધ સ્તરની તુલનાએ આજે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો 10 પૈસા તૂટીને 88.41ની સપાટીએ ખુલ્યો હતો અને ત્યાર બાદ 88.79ની લો સપાટી બનાવ્યા પછી અંતે 44 પૈસા તૂટીને 88.75 પર બંધ રહ્યો હતો.

વિઝાની ફીમાં વધારાને પગલે દેશની આઇટી કંપનીઓમાંથી વિદેશી ફંડો રોકાણ પરચ ખેંચશે અને વિદેશથી ભારતીય નાગરિકો દ્રારા મોકલવામાં આવતા નાણાં પણ ઘટશે એવી ચિંતા ઊભી થઇ છે, જેના કારણે યુએસની 50 ટકા ટેરિફને પગલે પહેલેથી જ દબાણ હેઠળ રૂપિયો હવે વધુ દબાણ હેઠળ આવ્યો છે. દરમિયાન આજે ડોલરમાં ત્રણ દિવસથી ચાલતી તેજીનો અંત આવ્યો હતો અને વિશ્વની છ અગ્રણી વૈશ્વિક કરન્સિ સામે ડોલરની મજબૂતાઇ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ 0.05 ટકા ઘટીને 97.29ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળ્યો હતો. ક્રૂડની વાત કરીએ તો વૈશ્વિક બેન્ચમાર્ક ગણાતું બ્રેન્ટ ક્રુડ આજે 0.41 ટકા વધીને પ્રતિ બેરલ 66.84 ડોલરની સપાટીએ ટ્રેડ થતું હતું, જ્યારે ડબ્લ્યુટીઆઇ ક્રૂડ 0.56 ટકા વધીને પ્રતિ બેરલ 62.63 ડોલરની સપાટીએ પહોંચ્યું હતું.

આજે રૂપિયામાં જંગી ધોવાણ માટે અન્ય એશિયન કરન્સિમાં મંદી પણ જવાબદાર હતી.આજે સેશન દરમિયાન સાઉથ કોરિયાનો વન 0.22 ટકા, થાઇલેન્ડનો બાટ 0.16 ટકા, ઇન્ડોનેશિયાનો રૂપિયો 0.08 ટકા અને સિંગાપોરનો ડોલર, જાપાનનો યેન તથા હોંગકોંગનો ડોલર 0.05 ટકા ઘટીનેને ટ્રેડ થતો હતો.


  • Follow us on: