યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો સતત બીજા સેશનમાં અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. ગઇ કાલે 88.76ની લાઇફ ટાઇમ લો સપાટીએ બંધ રહ્યા પછી આજે પણ રૂપિયો વધુ ત્રણ પૈસા ઘટીને 88.79ની નવી સૌથી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. આ સપાટીએ બંધ રહેતા પહેલા રૂપિયાએ ઇન્ટ્રા ડેમાં 88.80ની તેની અત્યાર સુધીની સૌથી નીચી સપાટી પણ નોંધાવી હતી. આ સાથે રૂપિયો સપ્ટેમ્બર મહિનામાં 60 પૈસા એટલે કે 0.68 ટકા ઘટયો છે, જ્યારે ચાલુ કેલેન્ડર વર્ષ 2025માં રૂપિયામાં 314 પૈસા એટલે કે 3.66 ટકાનો ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ છ મહિનામાં રૂપિયો 332 પૈસા એટલે કે 3.88 ટકા ઘટયો છે. રૂપિયામાં માસિક ધોરણે સતત પાંચમાં મહિનામાં ઘટાડો નોંધાયો છે અને આ પાંચ મહિનામાં રૂપિયો પાંચ ટકા જેટલો ઘટયો છે. હવે આવતી કાલે આરબીઆઇ વ્યાજદરને યથાવત રાખે છે કે ઘટાડે છે તે બાબત રૂપિયાની આગામી ચાલ નક્કી કરશે.
ગઇ કાલના 88.76ના સ્તરની તુલનાએ આજે ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જરમાં રૂપિયો ત્રણ પૈસા સુધરીને 88.73ના સ્તરે ખુલ્યો હતો અને તે પછી ઇન્ટ્રા ડેમાં 88.69ની હાઇ અને 88.80ની લો સપાટી બનાવી હતી. સેશનના અંતે રૂપિયો 3 પૈસા ઘટીને 88.79ની સપાટીએ બંધ રહ્યો હતો. રૂપિયામાં સતત પાંચ મહિનાથી જોવા મળી રહેલી ઘટાડાની ચાલ માટે ભારતીય શેરબજારમાં વિદેશી ફંડોની સતત વેચવાલી, ટ્રમ્પની 50 ટકા ટેરિફ અને યુએસ દ્રારા એચ વન બી વિઝા ફી વધારીને 1 લાખ ડોલર કરવામાં આવી એ પરિબળો મુખ્યત્ત્વે જવાબદાર છે. જોકે નિષ્ણાતોના મતે આજે ડોલર અને ક્રૂડ બન્નેમાં નરમાશના કારણે રૂપિયામાં ઘટાડો સીમિત રહ્યો હતો.










