શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં ડોલર સામે રૂપિયાના મૂલ્યનું ઐતિહાસિક ધોવાણ થયું હતું. એક દિવસના મોટા ઘટાડા રૂપે અમેરિકન ડોલર સામે રૂપિયો 93 પૈસા તૂટીને 89.61ના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો. એટલે કે, પહેલી વખત રૂપિયોનું મૂલ્ય ઘટીને 89ની સપાટીને પાર થયું છે. એટલું જ નહીં, એક વિશ્લેષણમાં એવું જાણવા મળ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં એશિયન સમકક્ષોની તુલનામાં ડોલર સામે રૂપિયાનું ધોવાણ સૌથી વધુ રહ્યું છે. નાણાં વર્ષમાં અત્યાર સુધીના સમયગાળામાં યુએસ કરન્સી સામે રૂપિયો 4.44 ટકા તૂટયો છે. ત્યારબાદ વિયેતનામના ડોંગમાં 2.98 ટકા, ફિલિપાઈન્સ પૈસોમાં 2.74 ટકા, ઈન્ડોનેશિયા રૂપિયામાં 0.84 ટકા, બાંગ્લાદેશ ટકામાં 0.67 ટકાનો ઘટાડો થયો છે.
બીજી તરફ ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં ડોલર સામે મલેશિયન રિંગગિટ સૌથી મજબૂત બન્યો છે. જેના મૂલ્યમાં 7.01 ટકાનો વધારો થયો છે. ત્યારબાદ યુએસ ડોલર સામે તાઈવાનિઝ ડોલર 5.60 ટકા મજબૂત થયું હતું. થાઈલેન્ડના બાથનું મૂલ્ય પણ ડોલર સામે વધ્યું હતું. આ વધારો 4.44 ટકા હતો. તેમજ ચાઈનીઝ રેન્મિન્બીમાં પણ 2.06 ટકાનો વધારો થયો હતો.નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ડોલર સામે ભારતના તીવ્ર ઘસારા માટે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા દર કાપની અપેક્ષાઓમાં ઘટાડો, અમેરિકા-ભારત વેપાર કરારની આસપાસની અનિશ્ચિતતા, અમેરિકન ટેરિફની અસર, ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોનો આઉટફ્લો જેવા પરિબળો જવાબદાર છે.
