આજે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 9 પૈસા વધીને 88.66ની સપાટીએ બંધ રહ્યો હતો. ક્રૂડના ભાવમાં નોંધપાત્ર વધારાને પગલે રૂપિયો મજબૂત બન્યો હતો. જોકે વિદેશી બજારોમાં ડોલરમાં મજબૂતાઇ, શેરબજારમાં મંદી અને વિદેશી ફંડોની સતત વેચવાલીને પગલે રૂપિયામાં સુધારો સીમિત રહ્યો હતો, એમ ફોરેક્સ ટ્રેડર્સ જણાવે છે. આવતી કાલે ગુરુ નાનક જંયતી નિમિત્તે ફોરેક્સ માર્કેટ પણ બંધ રહેશે.
ગઇ કાલના 88.7 5ના બંધ ભાવની તુલનાએ આજે ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો 20 પૈસાના વધારા સાથે 88.55ની સપાટીએ ખુલ્યો હતો અને તે પછી ઇન્ટ્રા ડેમાં કુલ 47 પૈસા સુધરીને 88.28ની હાઇ બનાવી હતી. જોકે ડોલરની મજબૂતાઇ અને શેરબજારમાં મંદીને પગલે સેશનના અંત સુધીમાં રૂપિયામાં ઘટાડાતરફી ચાલ આગળ વધી હતી અને અંતે રૂપિયો માત્ર નવ પૈસા વધીને 88.66ની સપાટીએ બંધ રહ્યો હતો. સોમવારે રૂપિયો 6 પૈસા ઘટીને 88.75ની સપાટીએ બંધ રહ્યો હતો. દરમિયાન, છ અગ્રણી વૈશ્વિક કરન્સિ સામે ડોલરની મજબૂતાઇ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ આજે 0.09 ટકા વધીને 99.80ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળ્યો હતો, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 1.37 ટકા ઘટીને પ્રતિ બેરલ 64 ડોલરની સપાટીએ પહોંચ્યું હતું.










