ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામના અહેવાલને પગલે ક્રૂડ 70 ડોલરથી પણ નીચે ગગડતા આજે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 78 પૈસા વધીને 86થી પણ ઉપર જઇ 85.97ની સપાટીએ બંધ રહ્યો હતો. રૂપિયામાં જોવા મળેલો આ એક દિવસીય વધારો 2025ના વર્ષનો સૌથી શ્રેષ્ઠ બીજા ક્રમનો વધારો છે. અગાઉ 23મી મેના રોજ રૂપિયામાં 79 પૈસાનો વધારો જોવા મળ્યો હતો. મે મહિનાના આ વધારાને બાદ કરીએ તો તે અગાઉ 11નવેમ્બર, 2022ના રોજ રૂપિયો 99પૈસા ઉછળ્યો હતો.
યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મોડી રાત્રે જ ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી તેને પગલે ક્રૂડના ભાવ ગગડીને પ્રતિ બેરલ 70 ડોલરથી પણ નીચે પહોંચી ગયા હતા. ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ આજે સવારે લગભગ 12.15વાગ્યે પ્રતિ બેરલ 3.53ડોલર એટલે કે 4.94ટકા ઘટીને 67.95ડોલરની સપાટીએ પહોંચી ગયું હતું. એ અગાઉના સેશનમાં પણ આ ક્રૂડમાં 4ટકાનો ઘટાડો નોંધાયો હતો. બ્રેન્ડ ક્રૂડના આ ભાવ 11 જૂન પછીની સૌથી નીચી સપાટી છે. આવી જ રીતે યુએસ બેન્ચમાર્ક ડબ્લ્યુટીઆઇ ક્રૂડ પણ 3.48ડોલર એટલે કે 5.08 ટકા ઘટીને પ્રતિ બેરલ 65.03 ડોલરની સપાટીએ પહોંચી ગયું હતું, જે તેની 9જૂન પછીની સૌથી નીચી સપાટી છે. જોકે સાંજ સુધીમાં બ્રેન્ટ ક્રૂડમાં થોડો સુધારો જોવા મળ્યો હતો અને તે પ્રતિ બેરલ 69.20 ડોલરની સપાટીએ પહોંચ્યું હતું.
