સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ)એ દરેક રાજ્યોના ડ્રગ્સ કંટ્રોલરને પશુઓમાં થતા એન્ટિબાયોટિક્સના ઉપયોગ પર દેખરેખ રાખવા માટે એક રેપોર્ટિંગ માટેનું માળખાને વધુ મજબૂત અને વ્યાપક બનાવવાનો આદેશ આપ્યો છે. હાલમાં ભારતમાં એન્ટિમાઇક્રોબાયલ રેસિસટન્સ(એએમઆર)નું પ્રમાણ ભયજનક હદે વધી રહ્યો છે અને આના કારણે 2050 સુધીમાં દેશમાં અંદાજે 20 લાખ લોકોના મોત થાય એવી ધારણા છે, ત્યારે આવી સ્થિતિને અટકાવવા માટે આ આદેશ આપવામાં આવ્યો છે.

એએમઆર એ માનવીઓ અને પશુઓમાં ઊભી થતી એક એવી સ્થિતિ છે કે જેમાં બેકટેરિયા, વાયરસ, ફંગસ અને પેરેસાઇટ્સ વગેરે પર એન્ટિમાઇક્રોબાયલ મેડિસિન્સની અસર થતી નથી. આવી દવાઓના વધુ પડતા ઉપયોગના કારણે આવી સ્થિતિ ઊભી થાય છે. આવા સંજોગોમાં પશુઓમાં એન્ટિમાઇક્રોબાયલનો ઉપયોગ અટકાવવા માટે આવા ઉપયોગ પરના દેખરેખનું માળખું મજબૂત બનાવવાના આશયથી સૌપ્રથમ વાર એક જોઇન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવી રહી છે. આવા ગ્રુપમાં સીડીએસસીઓના પ્રતિનિધીઓ, રાજ્ય સરકારની લાયસંસિગ ઓથોરિટીના પ્રતિનિધીઓ અને પશુપાલન અને ડેરી વિભાગના પ્રતિનિધીઓ સભ્ય હશે. રેપોર્ટિંગનું આ માળખા અંતર્ગત પશુઓ માટે ઉપયોગમાં લેવાતા એન્ટિબાયોટિક્સના વેચાણ, ઉત્પાદન અને આયાતના ડેટા સિસ્ટમેટિક રીતે એકત્ર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પશુઓમાં માનવીની જેમ જ એએમઆર જેવી સ્થિતિ ઊભી ન થાય તે માટે કેન્દ્ર સરકારે પાછલા વર્ષે જ ઓક્ટોબર મહિનામાં ગાઇડલાઇન્સ જાહેર કરી હતી. આ ગાઇડલાઇન્સ અંતર્ગત પશુઓની સારવાર માટે એક સ્ટાન્ડર્ડ ટ્રિટમેન્ટની વ્યાખ્યા નક્કી કરવામાં આવી હતી અને અને એન્ટિબાયોટિક્સનો ઉપયોગ લઘુત્તમ થાય એની પર ભાર મુકવામાં આવ્યો હતો. આ ગાઇડલાઇન્સમાં કોઇ પણ પશુમાં કોઇ રોગ થયો છે તે બાબતની પુષ્ટિ લેબોરેટરીમાં કરવામાં આવેલા ટેસ્ટના આધારે ન થાય ત્યારે સુધી આવા પશુઓની સારવારમાં એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ઓછામાં ઓછા અથવા તો સહેજ પણ ન થાય એવી સારવારની પદ્ધતિ નક્કી કરવામાં આવી હતી.

એએમઆરના કારણે 2050 સુધીમાં વિશ્વમાં 1 કરોડ, ભારતમાં 20 લાખના મોત થવાનો અંદાજ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના અંદાજ અનુસાર એએમઆરની સ્થિતિને કારણે વિશ્વભરમાં 2050 સુધીમાં કુલ 1 કરોડ લોકોના મોત થવાની ધારણા છે અને તેમાંથી ભારતમાં થનારા સંભવિત મોતનો આંકડો 20 લાખ રહેવાનો અંદાજ છે. વર્ષ 2019માં વિશ્વમાં થયેલા કુલ 12.70 લાખ મોત માટે એએમઆરની સ્થિતિ જવાબદાર હતી, જ્યારે દવાની અસર ન થાય એવો ચેપ લાગવાને કારણે થયેલા મોતનો આંકડો આશરે 50 લાખ જેટલો હતો. માનવી અને પશુઓની સારવારમાં એન્ટિબાયોટિક્સનો અતિરેક થઇ રહ્યો હોવાથી એએમઆરની સ્થિતિ ઊભી થાય છે.

વિશ્વના એન્ટિબાયોટિકના કુલ વેચાણમાંથી 66 ટકાનો ઉપયોગ પશુઓની સારવારમાં

શાકભાજી, મરધા અને ડેરી ઉત્પાદનોમાં એન્ટિબાયોટિક્સના અંશો રહેલા હોય અને આનો ઉપયોગ માનવી દ્વારા કરવામાં આવે તો આ એન્ટિબાયોટિકના અંશો સીધા માનવીના લોહીમાં ભળે છે અને આના કારણે સંબંધિત માનવીમાં રહેલી એએમઆરની સ્થિતિ વધુ વકરે છે. 2015માં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ વિશ્વમાં એન્ટિબાયોટિકનું જે કુલ વેચાણ થાય છે તેમાંથી 66 ટકા દવાઓનો ઉપયોગ પશુઓની સારવાર માટે થાય છે. ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ડેરી પ્રોડક્ટ્સની માંગ વધી રહી હોવાથી 2030 સુધીમાં આ ટકાવારી વધીને 70 ટકા થવાનો અંદાજ છે.