સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) શુક્રવાર 12મી સપ્ટેમ્બરના રોજ યોજાનારી પોતાની આગામી બોર્ડ બેઠકમાં વ્યાપક સુધારાઓને મંજૂરી આપે તેવી શકયતા છે. આ દરખાસ્તોમાં મેગા ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) માટે ડિલ્યુશન નિયમોમાં છૂટછાટ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એફપીઆઈ માટે નિયમોનું સરળીકરણ, સ્ટોક બ્રોકર નિયમોમાં સુધારો અને ચોક્કસ વૈકલ્પિક રોકાણ ભંડોળ (એઆઈએફ)માં માન્યતા પ્રાપ્ત રોકાણકારો માટે નિયમોમાં સરળતાનો સમાવેશ થાય છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
નાણાંકીય વર્ષની આ બીજી બોર્ડ મીટિંગ હશે. તેમજ ચેરમેન તુહીન કાંતા પાન્ડેના નેતૃત્વમાં ત્રીજી બેઠક હશે. જેમણે સતત શ્રેષ્ઠ નિયમોની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આઈપીઓના મોરચે બજાર નિયમનકાર મોટા ઈશ્યૂ માટે નીચા ડિલ્યુશન લેવલને મંજૂરી આપી શકે છે. તેમજ 25 ટકા લઘુમત્તમ જાહેર શેરહોલ્ડિંગ જરૂરિયાત પ્રાપ્ત કરવા માટે વિસ્તૃત સમય રેખા આપી શકે છે. આ પ્રકારના સુધારાથી રિલાયન્સ જીયો ઈન્ફોકોમ જેવી કંપનીઓને લાભ થઈ શકે છે. જેઓ આઈપીઓ લાવવાની પ્રાથમિક ચર્ચા કરી રહ્યાં છે. આ દરખાસ્તો નાણામંત્રાલય સમક્ષ સેબી દ્વારા સિક્યોરિટિઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ (એસસીઆરઆર)માં સુધારા કરવા માટે અગાઉ કરવામાં આવેલી ભલામણોને અનુસરે છે.










