ભારતના નાણાકીય બજારોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને મશિન લર્નિંગ(એમએલ)નો ઉપયોગ નોંધપાત્ર પ્રમાણમાં વધી રહ્યો છે ત્યારે બજારનું નિયમન કરતી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ આ બન્નેનો ઉપયોગ જવાબદારીપૂર્વક થાય એ સુનિશ્ચિત કરવા માટે આનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેની સુચિત ગાઇડલાઇન્સનો મુસદ્દો જાહેર કર્યો છે. 20 જુને પ્રસિદ્ધ કરવામાં આવેલી આ ગાઇડલાઇન્સ અંગે હિતધારકો 11 જુલાઇ સુધીમાં તેમના સુચનો રજુ કરી શકે છે.
હાલમાં સ્ટોક એક્સચેન્જ, બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડો દ્વારા અત્યાધિક પ્રમાણમાં એઆઇ અને એમએલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અલ્ગો ટ્રેડિંગ, ક્લાયન્ટ ઓનબોર્ડિંગ, સર્વેલન્સ, સાયબર સિક્યુરિટી જેવા વિવિધ હેતુઓ માટે એઆઇ અને એમએલનો ઉપયોગ કરવામાં આવે છે. આવા સંજોગોમાં સેબીએ જાહેર કરેલી ગાઇડલાઇન્સ સ્પષ્ટ વહીવટ અને નિયમનકારી દેખરેખ પર ભાર મુકે છે અને જણાવે છે કે એઆઇ અને એમએલના ઉપયોગ યોગ્ય રીતે થાય અને સાથે સાથે જવાબદારી નક્કી થાય તે અંગેના અને પારદર્શિતાના સિદ્ધાંતોનું સંપૂર્ણ પાલન થાય એ સુનિશ્ચિત કરવું અનિવાર્ય છે. આ સુચિત ગાઇડલાઇન્સ પાંચ મુખ્ય સ્તંભો પર ભાર મુકે છે જેમાં મોડલ ગવર્નન્સ, ડિસ્ક્લોઝર દ્વારા રોકાણકારોના હિતનું રક્ષણ, ટેસ્ટિંગ અને મોનિટરિંગ, ફેરનેસ અને બાયસ મિટિગેશન અને ડેટા પ્રાઇવસિ તથા સાયબર સિક્યુરિટીનો સમાવેશ થાય છે.
