આજે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે પણ ભારતીય શેરબજાર વધારા સાથે ખુલ્યું હતું, પણ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગને પગલે દિવસને અંતે સુચકાંકો ઘટાડા સાથે બંધ રહ્યા હતા. જીએસટીમાં રાહતની આશાએ એફએમસીજી શેરોમાં તેજી જોવા મળી હતી, જ્યારે ઓટો શેરોમાં ગઇ કાલની તેજી પછી આજે પ્રોફિટ બુકિંગને પગલે વેચવાલીનો દૌર હતો. આજે એફ એન્ડ ઓ કોન્ટ્રાક્ટની એક્સપાયરી હોવાથી તેના કારણે પણ બજારમાં અફરાતફરીભર્યો માહોલ જોવા મળ્યો હતો અને અંતિમ કલાકોમાં ઘટાડાના પગલે બજાર મંદીતરફી ઝોક સાથે બંધ રહ્યું હતું.
પ્રારંભે 156 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સમાં લગભગ 12.40વાગ્યા સુધી તેજીની ચાલ જળવાઇ હતી અને આ સુચકાંકે 80,761ની હાઇ સપાટી બનાવી હતી. જોકે તે પછી અચાનક જ ઘટાડાનો દૌર શરૂ થયો હતો, જે સેસનના અંત સુધી ચાલુ રહ્યો હતો, જેના પરિણામે છેલ્લા કલાકમાં 80,008 ની લો સપાટી બનાવ્યા પછી અંતે સેન્સેક્સ 206 પોઇન્ટ એટલે કે 0.26 ટકા ઘટીને 80,157 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. આમ ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સમાં કુલ 753 પોઇન્ટની વધઘટ જોવા મળી હતી અને અંતે સેન્સેક્સ વધેલા મથાળેથી 604 પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો. નિફ્ટીએ પણ પ્રારંભે 28 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં 24,756ની હાઇ અને 24,522ની લો સપાટી બનાવી હતી અને કુલ 234 પોઇન્ટની વધઘટને અંતે 45 પોઇન્ટ એટલે કે 0.18 ટકા ઘટીને 24,579 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ વધેલા મથાળેથી 177 પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો. લાર્જ કેપમાં મંદીથી વિપરીત મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તેજી જોવા મળી હતી. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 122 પોઇન્ટ એટલે કે 0.27 ટકા વધીને 45,496 પર બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 336 પોઇન્ટ એટલે કે 0.64 ટકા વધીને 52,552 પર બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ 804 પોઇન્ટ એટલે કે 0.75 ટકા વધીને 1,08,319ની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,285 શેર પૈકી 2,531 વધીને, 1,614 ઘટીને અને 140ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ રૂ. 449.90લાખ કરોડ એટલે કે 5.11 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે ગઇ કાલના રૂ. 448.85 લાખ કરોડથી રૂ.1.05 લાખ કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી 14 અને નિફ્ટીના 50 પૈકી 26 શેરો વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેરો પૈકી પાવરગ્રીડમાં 2.43 ટકાનો, એનટીપીસીમાં 1.60 ટકાનો અને ટાટા સ્ટીલમાં 1.44 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે એમ એન્ડ એમ 2.92 ટકા અને કોટક બેંક 1.28 ટકા ઘટયો હતો. નિફ્ટીના શેરો પૈકી ટાટા કન્ઝયુમર 2.77 ટકા અને નેસ્લે ઇન્ડિયા 2.22 ટકા વધ્યો હતો, જ્યારે ડો. રેડ્ડીઝ લેબ 2.34 ટકા અને આઇસીઆઇસીઆઇ બેંક 1.42 ટકા ઘટયો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સ 0.95 ટકા વધીને 11.29 પર પહોંચ્યો હતો. નિફ્ટી પરના 14 મુખ્ય સેકટોરલ ઇન્ડેક્સ પૈકી સાત વધીને બંધ રહ્યા હતા. નિફ્ટી એફએમસીજી 1.12 ટકા, મિડિયા 0.98 ટકા, મેટલ 0.85 ટકા અને રિઆલ્ટી 0.72 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી પ્રાઇવેટ બેંક 0.70ટકા, ફાઇનાન્સિયલ સર્વિસીસ 0.66 ટકા અને બેંક નિફ્ટી 0.63 ટકા અને ફાર્મા 0.27 ટકા ઘટીને બંધ રહ્યો હતો.
બજારની નજર હવે GSTની બેઠક પર
જીએસટીના કુલ ચાર સ્લેબ ઘટાડીને બે કરીને જીએસટી દરમાં રાહત આપવાના સુચિત પ્રસ્તાવ અંગે વિચારણા કરવા માટે જીએસટી કાઉન્સિલની બેઠક આવતી કાલથી બે દિવસ માટે યોજાવાની છે. ભારતીય શેરબજારના ખેલાડીઓ આ બેઠકમાં ક્યા પ્રકારની રાહત આપવામાં આવે છે તે અંગે આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.
એફઆઇઆઇની રૂ. 1,159 કરોડની નેટ વેચવાલી
એફઆઇઆઇએ આજે ભારતીય શેરબજારમાં રૂ. 1,159 કરોડની નેટ વેચવાલી કરી હતી, જ્યારે ડીઆઇઆઇએ રૂ. 2,549 કરોડની નેટ લેવાલી કરી હતી. આ સાથે સપ્ટેમ્બરના બે સેશનમાં એફઆઇઆઇએ કરેલી નેટ વેચવાલીનો આંકડો રૂ. 2,589 કરોડ અને ડીઆઇઆઇની નેટ લેવાલીનો આંકડો રૂ. 6,894 કરોડ થાય છે.