ટેરિફ પછી યુએસ દ્રારા વિઝા ફીમાં વધારાને પગલે ઊભા થયેલા દબાણ હેઠળ આજે પણ આઇટી શેરોમાં તીવ્ર વેચવાલી વચ્ચે મંદીનો માહોલ છવાતા બજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. જોકે મુખ્ય સુચકાંકોમાં જોવા મળેલો ઘટાડો નજીવો હતો, જેના માટે બેકિંગ-ફાઇનાન્સિયલ અને ઓટો શેરોમાં જોવા મળેલી તેજી જવાબદાર હતી. આ શેરોમાં લેવાલીને પગલે ઘટાડો સીમિત રહ્યો હતો. નોમુરાએ ભારતના સ્ટીલ ઉદ્યોગ માટે પોઝિટીવ આઉટલુક આપતા મેટલ શેરોમાં પણ લેવાલી હતી.
પ્રારંભે 12 પોઇન્ટ નીચામાં ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સે 82,370ની હાઇ અને 81,776ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 594 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ 57 પોઇન્ટ એટલે કે 0.07 ટકા ઘટીને 82,102 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સે ઇન્ટ્રા ડેમાં 82,000ની સપાટી પણ ગુમાવી હતી. નિફ્ટી જોકે પ્રારંભે 7 પોઇન્ટ ઊંચામાં ખુલ્યો હતો અને તે પછી ઇન્ટ્રા ડેમાં 25,261ની હાઇ અને 25,084ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 177 પોઇન્ટની વધઘટને અંતે નિફ્ટી 32 પોઇન્ટ એટલે કે 0.13 ટકા ઘટીને 25,169 પર બંધ રહ્યો હતો. નિફ્ટી ઇન્ટ્રા ડેમાં 25,000થી ઉપર રહ્યો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 133 પોઇન્ટ એટલે કે 0.29 ટકા ઘટીને 46,367 પર બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 189 પોઇન્ટ એટલે કે 0.35 ટકા ઘટીને 54,043 પર બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ પણ 158 પોઇન્ટ એટલે કે 0.15 ટકા ઘટીને 1,08,857 પર બંધ રહ્યો હતો.
બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,311 શેરો પૈકી 1,798 વધીને, 2,356 ઘટીને અને 157 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ રૂ. 463.63 લાખ કરોડ એટલે કે 5.22 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે ગઇ કાલના રૂ. 465.06 લાખ કરોડથી રૂ. 1.43 લાખ કરોડનો ઘટાડો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી 13 અને નિફ્ટીના 50 પૈકી 19 શેર વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેરો પૈકી એક્સિસ બેંક 2.32 ટકા, બજાજ ફાઇનાન્સ 1.94 ટકા, મારૂતિ 1.83 ટકા, એસબીઆઇ 1.81 ટકા અને કોટક બેંક 1.55 ટકા વધ્યો હતો, જ્યારે ટ્રેન્ટમાં 2.34 ટકાનો, ટેક મહિન્દ્રામાં 2.07 ટકાનો, એચયુએલમાં 1.94 ટકાનો, અલ્ટ્રાટ્રેક સિમેન્ટમાં 1.90 ટકાનો અને એશિયન પેઇન્ટ્સમાં 1.42 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના શેરો પૈકી ઇન્ડસઇન્ડ બેંક 2.82 ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ 1.87 ટકા અને અદાણી એન્ટરપ્રાઇસિસ 1.39 ટકા વધ્યો હતો, જ્યારે એસબીઆઇ લાઇફ 2.01 ટકા, નેસ્લે ઇન્ડિયા 1.72 ટકા અને એચડીએફસી લાઇફ 1.51 ટકા ઘટીને બંધ રહ્યો હતો. આજે વોલેટાલિટી ઇન્ડેક્સ 0.63 ટકા વધીને 10.63 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક 1.09 ટકા, મેટલ 1 ટકા અને ઓટો 0.62 ટકા વધીને બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી એફએમસીજી 1.29 ટકા, રિઆલ્ટી 0.89 ટકા અને આઇટી 0.71 ટકા ઘટયો હતો.
બેંકિંગ-ફાઇનાન્શિયલ શેરોમાં તીવ્ર લેવાલી, નિફ્ટી પીએસયુ બેંક 7,473ની નવી ટોચે આજે બેકિંગ અને ફાઇનાન્સિયલ શેરોમાં તીવ્ર લેવાલી જોવા મળી હતી. ખાસ કરીને પીએસયુ બેકિંગ શેરોમાં રોકાણકારોએ વધ રસ દાખવ્યો હતો અને નિફ્ટી પીએસયુ બેક ઇન્ડેક્સના 12 ઘટક શેરો પૈકી નવ 0.13 ટકાથી લઇને 2.51 ટકા વધીને બંધ રહેતા આ ઇન્ડેક્સે ઇન્ટ્રા ડેમાં 7,473ની નવી વિક્રમી ટોચ બનાવી હતી અને અંતે 80 પોઇન્ટ એટલે કે 1.09 ટકા વધીને 7,370ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ પણ 142 પોઇન્ટ એટલે કે 0.53 ટકા વધીને 27,057ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે બેંક નિફ્ટી 225 પોઇન્ટ એટલે કે 0.41 ટકા વધીને 55,509 પર બંધ રહ્યો હતો. નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસીસ ઇન્ડેક્સ પણ 31 પોઇન્ટ એટલે કે 0.12 ટકા વધીને 26,559 પર બંધ રહ્યો હતો.