આજથી શરૂ થયેલા સપ્તાહમાં યોજાનારી યુએસ ફોડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદર અંગે નિર્ણય લેવામાં આવનાર છે તે પહેલા રોકાણકારોએ સાવચેતીનો સુર અપનાવતા આજે આઇટી તથા ઓટો શેરોની આગેવાનીમાં લાર્જ કેપ શેરોમાં મંદી છવાઇ હતી, જેને પગલે નિફ્ટીમાં છેલ્લા આઠ સેશનથી ચાલતી તેજીનો અંતે આવ્યો હતો.
જોકે ભારત અને યુએસ વચ્ચે ટ્રેડ ડીલ અંગેની વાટાઘાટો ચાલી રહી છે એવા અહેવાલોને પગલે બજારમાં ઘટાડો સીમિત રહ્યો હતો. જોકે મંદી માત્ર લાર્જ કેપ શેરો પૂરતી જ સીમિત હતી અને મિડ કેપ તથા સ્મોલ કેપ શેરોમાં તેજીનો કરંટ જોવા મળ્યો હતો. આ સાથે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં સતત સાતમાં સેશનમાં તેજી જળવાઇ હતી. પ્રારંભે 21 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી આજે ભારે અફરાતફરી ધરાવતા સેશનમાં ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સે 81,888ની હાઇ અને 81,744ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 254 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ 118 પોઇન્ટ એટલે કે 0.15 ટકા ઘટીને 81,785ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીએ પણ પ્રારંભે 4 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં 25,138ની હાઇ 25,048ની લો સપાટી બનાવી હતી અને કુલ 80 પોઇન્ટની વધઘટને અંતે 44 પોઇન્ટ એટલે કે 0.18 ટકા ઘટીને 25,068ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે લાર્જ કેપથી વિપરીત સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં 0.15 ટકા ઘટાડાની તુલનાએ બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 0.40 ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.66 ટકા વધીને બંધ રહ્યો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 183 પોઇન્ટ એટલે કે 0.40 ટકા વધીને 46,368 પર બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 354 પોઇન્ટ એટલે કે 0.66 ટકા વધીને 53,803 પર બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ 166 પોઇન્ટ એટલે કે 0.16 ટકા ઘટીને 1,05,576 પર બંધ રહ્યો હતો. આજે બીએસઇ પર ટ્રેડ થયેલા કુલ 4,388 શેર પૈકી 2,208 વધીને, 2,008 ઘટીને અને 172 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ રૂ. 460.05 લાખ કરોડ એટલે કે 5.21 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે શુક્રવારના રૂ. 458.72 લાખ કરોડથી રૂ.1.33 લાખ કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી 10 શેરો અને નિફ્ટીના 50 પૈકી 14 શેરો વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેરો પૈકી બજાજ ફાઇનાન્સમાં 0.68 ટકાનો, એટર્નલમાં 0.58 ટકાનો અને અલ્ટ્રાટ્રેક સિમેન્ટમાં 0.46 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે એમ એન્ડ એમ 1.67 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.65 ટકા, ઇન્ફોસિસ 1.15 ટકા, ટાઇટન 1.03 ટકા અને સન ફાર્મા 0.86 ટકા ઘટીને બંધ રહ્યો હતો. નિફ્ટીના શેરો પૈકી જિયો ફાઇનાન્સ 1.38 ટકા અને બજાજ ઓટો 0.34 ટકા વધ્યા હતા, જ્યારે સિપ્લા 1.75 ટકા, શ્રીરામ ફાઇનાન્સ 1.22 ટકા અને ડો, રેડ્ડીઝ લેબ 1.18 ટકા ઘટીને બંધ રહ્યો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 2.71 ટકા વધીને 10.40ની સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી રિઆલ્ટી ઇન્ડેક્સ 2.41 ટકા, પીએસયુ બેંક 0.60 ટકા, ઓઇલ એન્ડ ગેસ 0.30 ટકા, બેંક 0.14 ટકા અને ફાઇનાન્સિયલ સર્વિસીસ 0.11 ટકા વધીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી ફાર્મા 0.64 ટકા, આઇટી 0.58 ટકા, મિડિયા 0.45 ટકા, ઓટો 0.38 ટકા અને કન્ઝયુમર ડયુરેબલ્સ 0.16 ટકા ઘટીને બંધ રહ્યા હતા.










