અમદાવાદ બુલિયન બજારમાં મંગળવાર ચાંદી માટે અતિ મંગળ પુરવાર થયો હતો. ફરી એક વખત એક ઝાટકે રૂ.7,000ના વધારા સાથે ચાંદીએ રૂ.2,62,000ની નવી ઓલ ટાઇમ હાઇ સપાટી બનાવી હતી. જ્યારે સોનું સ્થિર રહ્યું હતું. વૈશ્વિક બજારમાં સોનું 4 ડોલર ઘટીને 4,586 ડોલર પ્રતિ ઔંસ થયું હતું.
ચાંદી 149 સેંન્ટ ઘટીને 85.67 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં ફેબ્રુઆરી માસનો વાયદો રૂ.422 ઘટીને રૂ.1,41,610 પ્રતિ 10 ગ્રામ થયો હતો. ચાંદીમાં માર્ચ માસનો વાયદો રૂ.1,429 વધીને રૂ.2,70,399 પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ બજારમાં સોનું 21.80 ડોલર ઘટીને 4,592.90 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 5.34 સેંન્ટ વધીને 85.62 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. મુંબઇ બુલિયન બજારમાં સોનું રૂ.1,41,820 પ્રતિ 10 ગ્રામ થયું હતું. ચાંદી રૂ.2,70,340 પ્રતિ કિલો થઈ હતી.
અમદાવાદ બુલિયન બજારમાં સોના-ચાંદી માટે વર્ષ 2026 સુવર્ણવર્ષ પુરવાર થઇ રહ્યું છે. ગત 27 ડિસેમ્બરે ચાંદી રૂ.2,52,000 પ્રતિ કિલોની હાઇ સપાટી પર હતી. જેમાં વધારો થઇને સોમવારે એટલે કે, 12 જાન્યુઆરીના રોજ ચાંદી રૂ.2,55,000 પ્રતિ કિલો થઇ હતી. મંગળવારે 13 જાન્યુઆરીના રોજ ચાંદીએ અત્યાર સુધીની રેકોર્ડબ્રેક રૂ.2,62,000 પ્રતિ કિલોની સપાટી બનાવી છે. જ્યારે ગત 27 ડિસેમ્બરે સોનું રૂ.1,45,000ની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું હતું. જે રેકોર્ડ હજુ સુધી તૂટયો નથી. 13 જાન્યુઆરીએ સોનું રૂ.1,44,500 પ્રતિ 10 ગ્રામની સપાટીએ રહ્યું હતું. જાન્યુઆરી માસમાં ચાંદીમાં છેલ્લા 13 દિવસમાં રૂ.30 હજારનો વધારો થયો છે. જ્યારે સોનામાં રૂ.6,800નો ભાવ વધારો થયો છે.
બજારના નિષ્ણાતો જણાવે છે કે, ચાંદીમાં ભાવ વધારો માત્ર સ્થાનિક કારણોસર નહીં પરંતુ વૈશ્વિક પરિસ્થિતિ, ઉદ્યોગોની વધતી માંગ અને મર્યાદીત સપ્લાય જેવા પરિબળો સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલી છે. વૈશ્વિક અર્થવ્યસ્થામાં અનિશ્ચિતતા, ઉદ્યોગોમાં ચાંદીમાં માંગમાં રેકોર્ડ વધારો, સિલ્વર ખાણકામમાં ઘટાડો-સપ્લાય પર દબાણ, ડોલર ઇન્ડેક્સ નબળું પડવું, ઇટીએફ અને કોમોડિટી માર્કેટમાં ભારે ખરીદી, સેન્ટ્ર્લ બેંકના વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા, ભૂ-રાજકીય તણાવનો પ્રભાવ, ભારતમાં રિટેલ માંગમાં તેજી સહિતના કારણો ભાવ વધારા માટે કારણભૂત છે.