અમદાવાદ સોના-ચાંદી બજારમાં મંગળવારે સતત પાંચમાં દિવસે પણ ભાવમાં ભારે તેજી જોવા મળી હતી. જેમાં છેલ્લા ચાર દિવસથી ઉત્તરોતર સર્વોચ્ચ સપાટીઓ નવા સ્તરે પહોંચી નવા ભાવને આંબી રહી છે.

મંગળવારે ચાંદીમાં 2,500 રૂપિયા વધ્યા હતા. આ સાથે કિલો ચાંદીનો ભાવ વધીને 1,25,000 રૂપિયા થઇ ગયો હતો. જ્યારે સોનામાં 300 રૂપિયા વધ્યા હતા. જેમાં 10 ગ્રામ સોનાનો 24 કેરેટમાં ભાવ 1,08,000 રૂપિયા થયો હતો. અમદાવાદમાં છેલ્લા આઠ દિવસમાં ચાંદીમાં 9,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે સોનામાં 4,200 રૂપિયાનો વધારો થયો છે. MCX માર્કેટમાં સોનામાં ઓક્ટોબર માસનો વાયદો 235 રૂપિયા વધીને 1,05,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. MCX ચાંદીમાં સપ્ટેમ્બર માસનો વાયદો 35 રૂપિયા ઘટીને 1,22,600 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ બજારમાં સોનું 46.60 ડોલર વધીને 3,562.70 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 0.7 સેંન્ટ ઘટીને 40.90ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. સોના-ચાંદીના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. બેંને કિંમતો ફરી એકવાર ઓલ ટાઇમ હાઇ લેવલ સુધી પહોંચી ગઇ છે. આ વૃદ્ધી સ્થાનિક જ્વેલરી માર્કેટ, આંતરરાષ્ટ્રીય કોમોડિટી ટ્રેન્ડ.સ અને રોકાણકારોના વલણ સાથે સીધો સંબંધ ધરાવે છે.

અમેરિકી ડોલર કમજોર થવાથી ગોલ્ડ કોમોડિટી પર ઇન્વેસ્ટર્સનો વિશ્વાસ વધ્યો છે. ફ્રૂડ ઓઇલના ભાવ વધતા મોંઘવારીની આશંકા વધી રહી છે જેના કારણે સોનામાં રોકાણ સલામત આશ્રય તરીકે માનવાનું લોકોમાં ટ્રેન્ડ વધ્યો છે. આવનારા તહેવારો ગણેશ ચતુર્થી, નવરાત્રિ અને દિવાળી માટે રિટેલ ડિમાન્ડ વધી રહી છે. યુએસ-ચીન ટ્રેડ ટેન્શન અને યુરોપિયન અર્થતંત્રની અનિચ્છિતતા પણ સોના-ચાંદીની કિંમતોને ટેકો આપી રહી છે. ભારત ગોલ્ડ-સિલ્વરનું મોટું ઇમ્પોર્ટર દેશ છે. જેથી આયાતનું બિલ વધશે. જેથી અર્થતંત્ર પર પણ તેની અસર જોવા મળશે. રિઝર્વ બેંક પર ડોલર-રૂપી સ્થિરતા જાળવવાનું દબાણ વધશે. સોના-ચાંદીના વધી રહેલા ભાવ રોકાણકારો માટે સોનેરી તક બની શકે છે પરંતુ સામાન્ય ખરીદદારો માટે મુશ્કેલીનું કારણ છે.