સળંગ ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવ્યા બાદ મંગળવારે ચાંદીના ભાવ વધારા પર બ્રેક લાગી હતી. અમદાવાદ સોના-ચાંદી બજારમાં મંગળવારે ચાંદીના ભાવમાં રૂ.2,000 ઘટયા હતા. આ સાથે કિલો ચાંદીનો ભાવ રૂ.1,45,000 થયો હતો. જ્યારે સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળતા 24 કેરેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.1,19,500 રહ્યો હતો. વૈશ્વિક બજારમાં સોનું 9 ડોલર ઘટીને 3,807 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 83 સેંન્ટ ઘટીને 46.14 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.
MCX માર્કેટમાં સોનામાં ડિસેમ્બર માસનો વાયદો રૂ.310 ઘટીને રૂ.1,16,034 પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે ચાંદીનો ડિસેમ્બર માસનો વાયદો રૂ.1,866 ઘટીને રૂ.1,41,233 પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ બજારમાં સોનું 21.70 ડોલર ઘટીને 3,833.50 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 7.11 સેંન્ટ ઘટીને 46.30 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.બજાર વિશ્લેષકોના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલા ઉતાર-ચઢાવને કારણે ચાંદીના ભાવમાં દબાણ જોવા મળ્યું છે. સોનામાં લાંબા ગાળાની સ્થિરતા જોવાઇ રહી છે. જ્યારે ચાંદીમાં આવનારા દિવસોમાં વધુ ઉતાર-ચઢાવ રહેવાની સંભાવના છે.આંતરરાષ્ટ્રીય બજારમાં નબળાઇ, ઔદ્યોગિક માંગમાં ઘટાડો, ડોલર મજબૂર થવો, રોકાણકારોનું વલણ સહિતના કારણો ચાંદીમાં રૂ.બે હજાર તૂટવા પાછળના પરિબળો મનાઇ રહ્યા છે. જ્યારે સોનામાં સલામત રોકાણની માન્યતા, તહેવાર અને લગ્નની સિઝન, કેન્દ્રીય બેંકોની ખરીદી, ડોલર અને વ્યાજદરની ઓછી અસર સહિતના કારણો સોનાને સ્થિર રાખવામાં મહત્વરૂપ સાબિત થયા છે.
