કેન્દ્ર સરકારે બુધવારે મોડી રાત્રે જીએસટીના માળખાંમાં મોટા ફેરફાર કરીને મોટી રાહત આપવાની જાહેરાત તો કરી છે, પણ સાથે સાથે વિવિધ ચીજવસ્તુઓ અને સેવા માટેના હાલના ભાવ એકત્ર કરવા અને વેરામાં રાહત લાગુ પડે તે પછી આ જ ભાવને નવા ભાવ સાથે સરખાવી વિવિધ કંપનીઓ દ્રારા જીએસટીમાં રાહતનો લાભ ગ્રાહકોને પાસ ઓન કરવામાં આવે છે કે નહીં તેનું ધ્યાન રાખવા જીએસટીના તંત્રને સુચના પણ આપવામાં આવી છે. આ ઉપરાંત સરકારે ભાજપના તમામ સંસદસભ્યોને ગ્રાહકોને રાહતનો લાભ મળે છે કે નહીં તેની પર દેખરેખ રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. સરકારની આવી સુચના જ વિવિધ કંપનીઓ જીએસટીમાં રાહતનો લાભ ગ્રાહકોને આપશે કે નહીં તે અંગે અવઢવમાં છે તે સ્પષ્ટ થાય છે. આવી ચિંતા પાછળનું મુખ્ય કારણ એ છે કે 2017માં જીએસટીનો અમલ શરૂ કરવામાં આવ્યો ત્યારે ખુદ સીજીએસટી એક્ટની કલમ 171 હેઠળ એક નેશનલ એન્ટિ-પ્રોફિટિઅરિંગ ઓથોરીટી (એનએએ)ની સ્થાપના કરવામાં આવી હતી, જેને 2022માં રદ કરી દેવામાં આવી છે. આ ઓથોરિટીની રચના કરવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે જીએસટીમાં કરવામાં આવતા ઘટાડાનો લાભ અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)નો લાભ કંપનીઓ ગ્રાહકોને પણ આપે. જોકે આ ઓથોરિટીને રદ કરવામાં આવી હોવાથી જીએસટી 2.0 સુધારાનો લાભ ગ્રાહકોને મળે છે કે નહીં તેની પર દેખરેખ રાખનારું કોઇ નથી અને કંપનીઓ મનમાની કરે અને આવો લાભ ન ગ્રાહકોને ન આપવામાં આવે તો તેમની સામે કોઇ કાર્યવાહી કરવી શક્ય નથી. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં જીએસટીમાં રાહત આપવામાં આવી હોય ત્યારે હિંદુસ્તાન યુનિલિવર અને પી એન્ડ જી જેવી અનેક કંપનીઓ દ્રારા કરોડોની નફાખોરી કરવામાં આવી હોય એવા અનેક દાખલા મોજૂદ છે અને આવી કંપનીઓ બેઝ પ્રાઇસ વધારી દઇને કે ડિસ્કાઉન્ટ રદ કરીને આસાનીથી નફાખોરી કરી શકે છે.
હવે જ્યારે જીએસટીના અમલ પછીની સૌથી મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સરકારે નવેસરથી એન્ટિપ્રોફિટિઅરિંગ ઓથોરિટીની રચના કરવામાં નહીં આવે એવી સ્પષ્ટતા પણ કરી છે. કારણ એ આપવામાં આવ્યું છે કે સરકાર ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધારવા માંગે છે અને જે રીતે નિયમોનું સરળતાથી અમલીકરણ થાય તે માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ બનાવાઇ અને રિફંડ ઝડપથી મળે એવી વ્યવસ્થા કરાઇ એવી જ રીતે અમલીકરણમાં કોઇ મુશ્કેલી ન પડે એ માટે આવી ઓથોરિટીની રચના કરવામાં નહીં આવે. વધુમાં ઉદ્યોગો દ્રારા જીએસટીમાં રાહત પાસ ઓન કરવાની ખાતરી આપવામાં આવી છે તેના પર પણ સરકાર આધાર રાખે છે અને એવો મત પણ ધરાવે છે કે જો કરના દર ઓછા હોય તો સ્વૈચ્છિકપણે જ કંપનીઓ તેનો લાભ ગ્રાહકોને આપે છે. જોકે કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયેલે આ રાહતો અંગે જાહેરાત કરવામાં આવી તેના બીજા દિવસે ઉદ્યોગજગતને જે રીતે રાહતનો લાભ ગ્રાહકોને પાસ ઓન કરવા અનુરોધ કરવો પડયો તે બાબત સરકાર આ બાબતે કેટલી નિશ્ચિંત છે તેનો સંકેત આપે છે. કેન્દ્રીય મહેસૂલ સચિવને બે વર્ષમાં રૂ. 4,362ની નફાખોરી ઓછી લાગે છે ! સરકારે રાહતની જાહેરાત કરી ત્યારે એનએએની રચના નહીં કરવાના નિર્ણયનો બચાવ કરતાં કેન્દ્રિય મહેસુલ સચિવ અરવિંદ શ્રીવાસ્તવે એવું જણાવ્યું હતું કે જીએસટીના અમલ પછીના બે વર્ષમાં એનએએ અંતર્ગત કુલ 704 કેસ નોંધવામાં આવ્યા હતા અને તેમાંથી માત્ર 60 કેસોમાં તપાસ થઇ હતી. આ કેસો અંતર્ગત વિવિધ કંપનીઓ દ્રારા માત્ર રૂ. 4,362 કરોડની નફાખોરી કરવાનો આરોપ હતો.
નેશનલ એન્ટિ -પ્રોફિટિઅરિંગ ઓથોરિટીના આરંભથી અંતનો ઇતિહાસ
જીએસટીના અમલ પછી 28 નવેમ્બર, 2017ના રોજ એનએએની રચના કરવામાં આવી હતી અને પહેલી ડિસેમ્બર, 2017થી કાર્યરત થયેલી આ ઓથિરીટીનો કાર્યકાળ 2 વર્ષનો હતો, જે તે પછી એક વાર બે વર્ષ માટે અને બીજી વાર એક વર્ષ માટે એમ કુલ ત્રણ વર્ષ માટે 30 નવેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવ્યો હતો. પહેલી ડિસેમ્બર, 2022થી એનએએના કાર્યની જવાબદારી કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)ને સોંપવામાં આવી હતી. જોકે સીસીઆઇએ આવા કેસો હેન્ડલ કરવા અંગે પોતાની અસમર્થતા વ્યક્ત કરતા જુન, 2024માં યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પહેલી એપ્રિલ, 2025 પછી સીસીઆઇ દ્રારા આવા કોઇ કેસ સ્વીકારવામાં નહીં આવે એવો નિર્ણય લેવાયો હતો. આવા કેસ પહેલી ઓક્ટોબર, 2024થી જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલની પ્રિન્સિપાલ બેંચ દાખલ કરી શકશે એવો નિર્ણય પણ આ બેઠકમાં લેવાયો હતો.
એન્ટિ-પ્રોફિટિઅરિંગ ઓથોરિટીને કેવી સત્તા હતી?
જીએસટીમાં રાહત આપવામાં આવી હોય અને આ રાહતનો લાભ કોઇ કંપની ગ્રાહકોને પાસ ઓન નથી કરતી અથવા તો આઇટીસીના કારણે જે લાભ મળતો હોય તેનો લાભ ગ્રાહકોને નથી આપતી એવી માહિતી મળે તો તેની તપાસ કરવાની સત્તા એનએએને આપવામાં આવી હતી. આવી તપાસને અંતે જો આરોપ સાચો સાબિત થાય તો એનએએ જેટલી રકમની રાહત ન આપવામાં આવી હોય તેટલી રકમના 10 ટકા જેટલી રકમનો દંડ સંબંધિત કંપનીને કરી શકતી હતી. આ ઉપરાંત ગ્રાહકોને જે લાભ ન આપવામાં આવ્યો હોય તેટલા લાભની રકમ ગ્રાહકને રિફંડ કરવાનો આદેશ પણ એનએએ આપતી હતી. કોઇ પણ ગ્રાહક જીએસટીમાં રાહત કે આઇટીસીનો લાભ ન મળ્યો હોય તો તે અંગે આ ઓથોરિટીમાં ઓનલાઇન ફરિયાદ કરી શકતો હતો.
હાલમાં નવી એન્ટિ-પ્રોફિટિઅરિંગ ઓથોરિટીની કેમ જરૂર છે?
મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસીસે તૈયાર કરેલા એક અહેવાલ મુજબ જીએસટીમાં આપવામાં આવેલા રાહતનો લાભ જો સંપૂર્ણપણે ગ્રાહકોને પાસ ઓન કરવામાં આવશે તો જ આ કવાયત સફળ થઇ એમ ગણાશે. આથી એનએએની પુનઃરચના કરવામાં આવે એ અનિવાર્ય બની જાય છે.
ઓટો ઉત્પાદક કંપનીઓ કેવી ચાલાકી કરી શકે છે?
નિષ્ણાતોના મતે હાલમાં સ્ટોકમાં ભરાવો થઇ ગયો હોવાથી ઓટો ઉત્પાદક કંપનીઓ કેટલાક ચોક્કસ મોડલ પર મોટું ડિસ્કાઉન્ટ આપે છે. હવે જીએસટીમાં રાહત અમલી બને તે પછી આ ડિસ્કાઉન્ટ આપવાનું બંધ કરવામાં આવે એ શક્ય છે. આના કારણે સંબંધિત કંપનીએ જીએસટીમાં રાહતનો લાભ ગ્રાહકોને પાસ ઓન કર્યો છે એવું પણ પ્રસ્થાપિત થશે અને હકીકતમાં આ લાભ ઓટો ઉત્પાદક કંપની જ લઇ જશે.
કેરળ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુએ એનએએની રચના કરવા માંગ કરી છે
તાજેતરમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેરળ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ સહિતના કેટલાક રાજ્યોએ ફરી એક વાર એન્ટિ પ્રોફિટિઅરિંગ ઓથોરિટીની રચના કરવાની માંગ કરતા જણાવ્યું હતું કે જો આ પ્રકારે નવી ઓથોરિટીની રચના નહીં કરવામાં આવે તો કંપનીઓ જીએસટીનો લાભ ગ્રાહકોને પાસ ઓન નહીં કરે એ સહેજે સમજી શકાય એવી વાત છે, કારણ કે ભૂતકાળમાં કંપનીઓએ આવી રીતે નફાખોરી કરી હોય એવા અનેક દાખલા છે.
FMCG કંપનીઓ નાના પેકેટના ભાવ નહીં ઘટાડે પણ વજન વધારશે
નમકિન, નુડલ્સ, ચોકલેટ, બિસ્કિટ, ઇન્સ્ટન્ટ કોફી, જ્યુસ વગેરે પરનો જીએસટી ઘટાડીને 5 ટકા કરાયો છે, જ્યારે બ્રેડ, પનીર અને અલ્ટ્રા હાઇ ટેમ્પ્રેટર પ્રોસેસ્ડ મિલ્ક પરનો જીએસટી શૂન્ય કરવામાં આવ્યો છે. આવા સંજોગોમાં આ પ્રોડક્ટનું વેચાણ કરતી કંપનીઓ આ ચીજોના ભાવ ઘટાડવાના બદલે સંબંધિત પ્રોડક્ટના પેકટના વજનમાં વધારો કરે એવી શક્યતા છે.
ડીલર્સને 2017માં સ્ટોકના ભરાવાના કારણે થયેલા નુકસાન જેવી સ્થિતિ ફરી સહન કરવી પડશે
2017માં જીએસટીને લાગુ કરવામાં આવ્યો ત્યારે વિવિધ ચીજવસ્તુઓ અને તેમાંય ખાસ કરીને એફએમસીજી પ્રોડક્ટ્સના ડીલર્સ પાસે જુના ભાવે સ્ટોકનો જે ભરાવો હતો તેના કારણે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. આ વખતે જો કે વડાપ્રધન નરેન્દ્ર મોદીએ પંદરમી ઓગસ્ટના રોજ જીએસટીમાં રાહત આપવામાં આવશે એવો આગોતરો સંકેત આપી દીધો હતો તેના કારણે આવા ડિલર્સોએ નવા ઓર્ડર રોકી દઇને સ્ટોકનો ભરાવો ન થાય એ માટે સાવચેતી રાખી છે, પરંતુ તેમ છતાં આ ડીલર્સને થોડું ઘણું નુકસાન તો ભોગવવું જ પડશે એમ માનવામાં આવી રહ્યું છે.