દેશની વિવિધ બેંકોમાં મુકવામાં આવેલી થાપણોની કુલ રકમની તુલનાએ મ્યુચ્યુઅલ ફંડોની કુલ એયુએમની ટકાવારી છેલ્લા આઠ વર્ષમાં વધીને બમણી થઇ છે. આ બાબત ભારતના રોકાણકારોમાં ઇક્વિટી અને અને નાણાકીય સાધનોમાં વધી રહેલા રસનો સંકેત આપે છે. મે 2025ની સ્થિતિએ દેશના મ્યુચ્યઅલ ફંડોની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ)નો આંકડો રૂ. 72.2 લાખ કરોડ નોંધાયો છે, જે બેંકોની થાપણો મુકવામાં આવેલી રકમના આશરે ત્રીજા ભાગ જેટલો છે. આ હિસ્સો માર્ચ, 2017ના અંતે માત્ર 16 ટકા હતો. આમ આ ટકાવારી બમણી થઇ છે. કોવિડ મહામારીના સમયે જોવા મળેલી મંદીને બાદ કરતાં બાકીના વર્ષોમાં બેંકોની ડિપોઝીટ અને એમએફની એયુએમ વચ્ચેનો ગુણોત્તર સતત વધ્યો છે.
કોવિડ મહામારી પછીના સમયગાળામાં એમએફની એયુએમમાં સતત વધારો નોંધાયો છે, જેના માટે શેરબજારમાં જોવા મળેલી નોંધપાત્ર તેજી જવાબદાર છે. આ વધારા માટે બે પરિબળો જવાબદાર છે. સૌપ્રથમ તો શેરબજારમાં તેજીના કારણે એમએફ થયેલા રોકાણનું મૂલ્ય નોંધપાત્ર પ્રમાણમાં વધ્યું છે. બીજી તરફ નવા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડો તરફ આકર્ષાતા તેમણે પણ ફંડોમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે. માર્ચ, 2020થી અત્યાર સુધીમાં એમએફની એયુએમમાં આશરે ત્રણ ગણો વધારો થયો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ એમએફની એયુએમમાં થયેલા નોંધપાત્ર વધારા માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઇપી)ની વધતી લોકપ્રિયતા પણ જવાબદાર છે. આના કારણે ફંડોમાં સતત રોકાણનો પ્રવાહ જળવાયો છે અને બજારમાં જ્યારે મંદી છવાય ત્યારે પણ રોકાણનો આ પ્રવાહ ચાલુ રહ્યો છે. સ્માર્ટફોન અને ઇન્ટરનેટના વધતા ઉપયોગના કારણે હવે વિવિધ એપ્સ પર એમએફમાં રોકાણ કરવાની સુવિધા પ્રાપ્ત થતાં તેના કારણે પણ ફંડોમાં રોકાણનું ચલણ વધ્યું છે.










